તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
વલ્લભીપુર-૪, ભચાઉ-માંડવી-ભાવનગરમાં ૩ ઇંચ વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંક ભારે કયાંક હળવી મેઘમહેર યથાવત : વાવણી પછીના ધીમા વરસાદથી પાકને ફાયદો

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ બરકરાર છે અને હળવો ભારે વરસાદ વરસી જાય છે અને વાવણી બાદ વરસતા વરસાદના કારણે પાકને ફાયદો થઇ રહ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી સર્વત્ર વરસાદી વાતાવરણ યથાવત છે અને આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ છવાયેલું રહે છે.
આજે સવાર સુધીમાં ભાવનગરમાં ૩, વલ્લભીપુરમાં ૪, ભચાઉમાં ૩, માંડવી-ભૂજમાં ર ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં ચાર ઇંચ ,ભાવનગર શહેરમાં ત્રણ ઇંચ,શિહોરમાં અઢી ઇંચ , પાલીતાણામાં એક ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ વળક્ષ ધરાશય થયા છે.
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં અડધા ઇંચ થી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુરમાં અને ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા.
વરસાદ દરમિયાન ભાવનગર શહેરમાં આતાભાઇ ચોકમાં અને ગઢેચી વડા ડીઆરએમ કચેરી પાસે અને રૂપાણી સર્કલ પાસે શ્રી ગોળીબાર હનુમાન મંદિર નજીક વળક્ષ ધરાશાય થયું હતું .
ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૧૦૦ ,ઉમરાળા ૫૦, ભાવનગર શહેર ૭૩ ,ઘોઘા ૫૯ સિહોર ૬૫ ,ગારીયાધાર ૫, પાલીતાણા ૨૧, તળાજા ૬ અને જેસરમાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભૂજઃ ગત ૨૪ કલાક દરમ્યાન કચ્છ જિલ્લામાં સવારે ૬ થી આજે સવારે ૬ વાગ્યા સુધી છૂટો છવાયો કયારેક ધીમા તો કયારેક જોરદાર ઝાપટા સાથે વરસાદી માહોલ રહ્યો હતો. બપોર બાદ સાંજથી રાત દરમ્યાન હવામાન પલટાયું હતું. સૌથી વધુ ભચાઉમાં ૩ ઇંચ જ્યારે ભુજમાં ૨ ઇંચ તેમ જ માંડવી અને અબડાસામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, કયાંક કયાંક છૂટો છવાયો ભારે વરસાદ પણ પડ્યો હોવાના સમાચાર છે. ગઢશીશા ગામે ૪ ઇંચ તો ભુજમાં હમીરસરની પાણીની આવ સમા લંકીના ડુંગરોમાં સારા વરસાદના સમાચાર છે. ભુજમાં ગઈકાલ રાતના ૮ થી આજ સવારે ૮ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. જ્યારે અબડાસા વિસ્તારમાં નલિયા તેરાથી નેત્રા જતો રસ્તો ધોવાઈ જતા બંધ કરાયો છે. જોકે, અતિ ભારે વરસાદની ચેતવણી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ગુજરાત સરકાર અતિ ગંભીર હોવા છતાંય ફરી એક વાર કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ તરફથી વરસાદ તેમ જ વરસાદને લગતા અન્ય મહત્વના સમાચારો મેળવવામાં મીડિયા સંકલનનો અભાવ વરતાયો હતો. ખોંભડી (નખત્રાણા) ગામે ૩૦ ગાયો તણાઈ હોવાના સમાચાર તેમ જ અનેક જગ્યાએ રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી વાહન વ્યવહાર અટકયો હોવા છતાંય આ અંગે ખરાઈ કરતા સમાચારો મેળવવામાં મુશ્કેલી રહી છે. જિલ્લામાં ડિઝાસ્ટર મામલતદાર અને કચ્છના ૧૦ તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ હોવા છતાંય મીડિયા સુધી માહિતી સંકલનનો અભાવ રહ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જોડીયા અને લાલપુરમાં દોઢ ઇંચ વરસાદ ગઇકાલે પડયો હતો. જયારે જામનગરમાં અડધો ઇંચ તથા ધ્રોલ, કાલાવડમાં ઝાપટાં પડયા હતા. આજે સવારે જામનગરમાં ૩ મી.મી. વરસાદ પડયો હતો.
દ્વારકા
(વિનુભાઇ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) : દ્વારકા-ખંભાળીયાઃ દ્વારકામાં આજે સવારે ૧૦ મીમી વરસાદ પડયો હતો. જયારે ખંભાળીયા-કલ્યાણપુર અને ભાણાવડમાં ગઇકાલે ઝાપટા વરસ્યા હતા.
જુનાગઢ
(વિજુ જોશી દ્વારા) જુનાગઢ, : વિસાવદર, મેંદરડા, માળીયા હાટીનામાં ઝાપટા પડયા છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિછીયામાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા નું વરસતા વરસાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું મુસ્લિમોની સાથે હિન્દુઓએ પણ શ્રદ્ધાપૂર્વક શ્રીફળ વધેરી તાજીયા ના દીદાર કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.રાજગઢ ચોક ખાતે હુલ અને અંગ કસરત ના જીવ સટોસટ ના દાવ જોવા વિંછીયા અને પંથક ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાંજના દરગાહ ખાતે તાજીયા ઠંડા કરાયા હતા. (૯.૧૦)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
