<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

તરઘડીમાં સગર્ભા પૂજાનો ફાંસો ખાઇ આપઘાતઃ નેચરોપેથી સેન્‍ટરમાં નોકરી કરતાં પતિએ મરવા મજબૂર કર્યાનો આરોપ

દિલ્‍હી માવતર ધરાવતી પૂજાના ગાઝીયાબાદના મનિષ શર્મા સાથે લગ્ન થયા હતાં: લગ્ન બાદ પતિ-સાસુ દહેજ સહિતની વાતે ત્રાસ આપતા હતાં: અગિયાર મહિના પહેલા પતિ મનિષને તરઘડીમાં નોકરી મળતાં બંને અહિ રહેતાં હતાં: પિતાની ફરિયાદ પરથી મૃતકના પતિ-સાસુ વિરૂધ્‍ધ ગુનો દાખલ

 

રાજકોટ તા. ૭: પડધરીના તરઘડી ગામે રહેતી દિલ્‍હી માવતર ધરાવતી યુવતિએ પતિ-સાસુના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં  પડધરી પોલીસે બંને વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. આપઘાત કરનારનો પતિ તરઘડી આત્‍મનીમ નેચરોપેથી સેન્‍ટરમાં નોકરી કરતો હતો. લગ્ન થયા ત્‍યારથી પરિણીતાને પતિ અને સાસુ દ્વારા દહેજ સહિતની વાતે ત્રાસ અપાતો હતો. અહિ તરઘડીમાં તેણી સગર્ભા હોવા છતાં સારવારમાં કાળજી ન રાખી ગળુ દાબી ધક્કો મારી પછાડી દીધી હોઇ પરિણીતા દોઢેક મહિનો માવતરે દિલ્‍હી જતી રહી હતી. બાદમાં તેણીને સાસરે ગાજીયાબાદ તેના પિતા મુકવા ગયા ત્‍યાંથી ફરી પતિ તેને તરઘડી સાથે લાવ્‍યો હતો અને અહિ પતિનો ત્રાસ ચાલુ રહેતાં તેણી મરવા મજબૂર થયાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં પડધરી પોલીસે મૃત્‍યુ પામનાર પૂજાબેન મનિષ શર્મા (ઉ.વ.૩૨)ના પિતા દિલ્‍હી લક્ષ્મીનગર ગુરૂરામદાસ નગર એ-૩૪માં રહેતાં લક્ષ્મણ શર્મા સ્‍વ. રામેશ્વર શર્મા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી પૂજાબેનના પતિ મનિષ શંભુનાથ શર્મા તથા સાસુ મંજુ શંભુનાથ શર્મા (રહે. બંને તરઘડી તા. પડધરી) વિરૂધ્‍ધ આત્‍મહત્‍યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્‍યો છે. પૂજાબેને શનિવારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મૃતકના પિતા લક્ષ્મણ શર્માએ પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારા પત્‍નિનું નામ સરસ્‍તવીદેવી છે. અમારે સંતાનમાં એક દિકરી પૂજા છે. તેણીએ એમએ સુધી દિલ્‍હીમાં અભ્‍યાસ કર્યા હતો. તેના લગ્ન ૨૦૨૧-ઓગષ્‍ટમાં લોની ગાઝીયાબાદના મનિષ શંભુનાથ શર્મા સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતાં. જ્‍યારે મારો નાનો દિકરોદિલ્‍હીમાં અભ્‍યાસ કરે છે. દિકરી પૂજા લગ્ન બાદ તેના પતિ-સાસરીયા સાથે લોની ગાઝીયાબાદમાં રહેતી હતી. જ્‍યાં તે ત્રણ વર્ષ રહી હતી. સ્‍વ. શંભુનાથ શર્માને મનિષ સિવાય એક દિકરી છે તેના લન અગાઉ થઇ ગયા છે.

મારી દિકરીને લગ્ન બાદ તેનો પતિ અવાર-નવાર તું કામ કરતી નથી, તારા માવતરે દહેજમાંકંઇ આપ્‍યું નથી કહી ત્રાસ આપતો હતો. તેના સાસુ પણ ત્રાસ આપતાં હતાં. આ બંનેથી કંટાળીને મારી દિકરી અવાર-નવાર દિલ્‍હી ખાતે અમારા ઘરે આવી જતી હતી. પણ અમે આબરૂજવાની બીકે દિકરીને સમજાવીને ફરી સાસરીયામાં મોકલી દેતાં હતાં. તેનો પતિ મનિષ ફિઝીયોથેરાણીની પ્રાઇવેટ નોકરી કરતો હતો. હાલ જમાઇ મનિષ અને મારી દિકરી પૂજા રાજકોટના પડધરીના તરઘડી ગામે રહેતાં હતાં. મનિષને તરઘડીના આત્‍મનીમ નેચરોપેથી સેન્‍ટરમાં પ્રાઇવેટ જોબ મળતાં તે અગિયાર મહિનાથી અહિ આત્‍મનીમ નેચરોપેથી સેન્‍ટરના ફલેટ નં. એ-૫૦૩માં રહેતો હતો.

અહિ રહેવા આવ્‍યા પછી પણ મારી દિકરી મને અવાર-નવાર ફોન કરી તેનો પતિ તેને નાની નાની વાતે કજીયા કરી હેરાન કરતો હોવાનું કહેતી હતી. મારી દિકરીના પેટમાં હાલ પતિ મનિષ થકી ગર્ભ હતો. આમ છતાં તે તેણીને હેરાન કરતો હતો. મનિષ પગારના જે પૈસા આવે તે સીધા તેની માતા મંજુ શર્માને મોકલી દેતો હતો. તેમજ મારી દિકરીને પ્રેગનન્‍સી દરમિયાન સારી રીતે રાખવાને બદલે તે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતો હતો. દિકરી આ બાબતે મને ફોનથી જાણ કરતી હતી. તે વારંવાર અમારી દિકરીનો ફોન ચેક કરતો હતો અને દિકરી મને ફોન કરે તો ફોન કરવાની પણ ના પાડતો હતો.  બાદમાં મારી દિકરીને દિલ્‍હી આવવું હોઇ પતિ તેને બારોબાર બે મહિના પહેલા મુકી ગયો હતો. દિલ્‍હી અમારા ઘર સુધી પણ આવ્‍યો નહોતો.

અહિ માવતરે આવીને દિકરી પૂજાએ વાત કરી હતી કે તેણી સગર્ભા હોવા છતાં બે ત્રણ મહિના પહેલા પતિ મનિષે તેણીને ગળુ દબાવી ધક્કો દઇ પછાડી દીધી હતી.  અહિ દિકરી એકાદ મહિનો રોકાઇ હતી. પછી હું તેને સાસરીયામાં લોની ગાઝીયાબાદ મુકી આવ્‍યો હતો. ત્‍યારે ત્‍યાં તેનો પતિ મનિષ પણ હતો. એ જ દિવસે તેને તરઘડી જવાની ટિકીટ હોઇ તે પૂજાને પણ ફરીથી તરઘડી લઇ આવ્‍યો હતો. બીજા દિવસે પૂજાએ તરઘડીથી મને ફોન કર્યો હતો કે પતિએ મને પુછ્‍યા વગર બેંકમાંથી દોઢ લાખની પર્સનલ લોન લઇને તેના માતાને પૈસા મોકલી દીધા છે, હાલ મારી પ્રેગનન્‍સી ચાલુ છે છતાં મારી સરખી દવા કરતો નથી અને તે મારી સાથે જેમફાવે તેમ બોલે છે.

લક્ષ્મણ શર્માએ વધુમાં જણાવ્‍યું હતું કે દરમિયાન તા. ૫/૭/૨૫ના રોજ મને જમાઇ મનિષે તરઘડીથી ફોન કરી કહ્યું હતું કે હું સવારે નોકરી પર હતો અને બપોરે સાડા બારેક વાગ્‍યે પાછો રૂમે આવ્‍યો ત્‍યારે બારણુ અંદરથી લોક છે, ફોન કરવા છતાં પૂજા ફોન ઉપાડતી નથી. જેથી મેં  પૂજાને ફોન કરતાં ફોન ઉપડયો નહોતો. ત્‍યારબાદ દોઢેક વાગ્‍યે મને જમાઇએ ફરી ફોન કરી કહેલુ કે-પૂજાએ ખોટુ પગલુ ભરી લીધુ છે, તમે તાત્‍કાલીક આવો. પૂજાએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનું મને જાણવા મળ્‍યું હતું. બાદમાં અમે તત્‍કાળ દિલ્‍હીથી પ્‍લેનમાં હું, મારા પત્‍નિ અને દિકરો અમદાવાદ પહોંચી ત્‍યાંથી રાજકોટ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતાં. મારી દિકરીના મૃતદેહને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ દિકરીની ડેડબોડી અને પેટમાં રહેલા ગર્ભસ્‍થ શીશુની લાશ અમને અંતિમવિધી માટે સોંપાઇ હતી. મારી દિકરીને પતિ અને સાસુ લગ્ન બાદ દહેજ બાબતે અને બીજી નાની નાની વાતે ત્રાસ અપાતો હતો. તેણી સગર્ભા હોવ ાછતાં પતિએ ગળુ દબાવી પછાડી દીધી હતી. તે મારી દિકરીની સરખી સારવાર પણ કરાવતો ન હોઇ અને પૈસા તેની માતાને મોકલી દેતો હોઇ અંતે કંટાળીને મારી દિકરી મરી જવા મજબૂર થઇ હતી. તેમ વધુમાં લક્ષ્મણ શર્માએ જણાવતાં પીએસઆઇ વી. કે. સુરાણીએ ગુનો નોંધી પીઆઇની રાહબરીમાં તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(11:42 AM IST)