તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
નેશનલ હેન્ડ બોલ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ગુજરાતને હરાવી પંજાબ જીત્યું
પ્રથમવાર ગુજરાત બન્યું યજમાન, ભુજમાં આયોજિત સ્પર્ધામાં ૨૭ રાજ્યોની મહિલા ટીમોએ ભાગ લીધો : સાંસદ વિનોદ ચાવડાને હસ્તે મેડલ – ટ્રોફી એનાયત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : છેલ્લા છ દિવસથી કચ્છના રમત રસિયાને ઘેલું લગાડનાર ૫૪મી હેન્ડબોલ સિનિયર મહિલા સ્પર્ધાની ફાઈનલમાં ગુજરાતને સજ્જડ પછડાટ આપી પંજાબએ ડંકો વગાડી દીધો હતો. દિલ્હી અને હરિયાણા સમાન રીતે ત્રીજા ક્રમાંકે રહ્યા હતા. સાંસદ વિનોદ ચાવડાને હસ્તે મેડલ – ટ્રોફી એનાયત કરાયા હતા.
જેનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું તે રાષ્ટ્રકક્ષાની સિનિયર મહિલા હેન્ડનોલ સ્પર્ધાનું ટાઈટલ ગુરુવારે સવારે પંજાબે જીતી લેતાં ગુજરાતનું સપનું ફોળાયું હતું અને દબદબાભેર સમાપન સત્ર યોજાયું હતું. આ પ્રસંગે બોલતાં યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં રમતગમતની શ્રેષ્ઠતા માટેના પ્રોત્સાહનથી ખેલાડીઓમાં જોમ-જુસ્સો વધ્યો છે. રમે ગુજરાતનો સંકલ્પ આપનાર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકની તૈયારી કરી રહ્યું છે. શ્રી ચાવડાએ ૨૭ રાજ્યોની ટીમોને ભાગ લેવા અને ગુજરાત-કચ્છનું આતિથ્ય સ્વીકારવા બદલ અભિનંદન આપ્યા હતા. આયોજક હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ એસોશિયેશન ગુજરાત અને કચ્છના એસોશિયેશન સાથે લેવા પટેલ સમાજે ખેલાડીઓનને કચ્છ દર્શન કરાવ્યા બદલ શાબાશી આપી હતી. સાંસદના હસ્તે વિજેતા પંજાબ, ઉપવિજેતા ગુજરાતના તમામ મહિલા ખેલાડી, કોચ, મેનેજર, આયોજકો, સહયોગી સૌને ક્રમશ: મેડલ, ટ્રોફી, સાલ, મોમેન્ટોથી વિશેષ સન્માન કર્યું હતું. પ્રતિભાવ આપતાં જુદા જુદા રાજ્યની રમતવીર કન્યાઓએ આટલા ઉચ્ચ આયોજન બદલ ગુજરાતનો આભાર માન્યો હતો. આ પ્રસંગે આયોજનના પાયાની સંસ્થા તરીકે માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય, લેવા પટેલ કુમાર વિદ્યાધામના અનુક્રમે વસંત પટેલ, રામજી સેંઘાણી અને મનીષ પટેલને પ્રતિક અર્પણ કર્યું હતું. સ્પર્ધાના એમ્પાયર કોચ, ગ્રાઉન્ડમેન, જીવંત પ્રસારક પવિત્રા લાઈવ સહિત સહયોગી બનનાર તમામની નોંધ લઈ આભાર વ્યક્ત કરાયો હતો.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
