તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
જુનાગઢ જેલમાંથી ૪ કેદીના નાસી જવાના પ્રયાસના મામલે તપાસનો ધમધમાટ
જેલ સ્ટાફે વહીવટી બિલ્ડિંગની અગાસી પરથી પકડી પાડ્યા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: વિસાવદર પોલીસ સ્ટેશનના પોક્સો તેમજ ધમકી સહિતના ગુનામાં વિરેન્દ્ર ભનુ મકવાણા ૩૧ માર્ચ ૨૦૨૦થી, ભેસાણ પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના કેસમાં ડાયા ચના ગરસડીયા ૩૧-૩-૨૦૨૫થી, કેશોદ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં અશ્વિન ઉર્ફે દિપક કાળુ મકવાણા ૧૭-૪-૨૦૨૫થી તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનના પોક્સો સહિતના ગુનામાં ભૂપત દેવજી સાવડીયા ૧૪-૫-૨૦૨૫થી જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે છે. શનિવારની રાત્રીના ૧.૪૫ થી અઢી વાગ્યા દરમ્યાન ચારેય કેદીઓ બેરેકના લોખંડના સળિયા વાળી બહાર નીકળી ગયા હતા અનેભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
ફરજ પરના એસઆરપી જવાનને આ અંગે જાણ થતા તેઓએ નાઈટ ગાર્ડ તેમજ જેલર એચ. ઓ. વાળાને જાણ કરી હતી, જેલર સહિતના જેલ સ્ટાર્ક તાત્કાલિક ટીમ બનાવી બહારની સાઈડથી જેલને કોર્ડન કરી લીધી હતી. બાદમાં જેલની અંદર આવેલા બિલ્ડીંગની અગાસીઓ, પાણીના ટાંકા, ઝાડ પર તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન આ ચારેય કાચા કામના કેદીઓ વહિવટી બિલ્ડીંગના ધાબા પર છુપાયેલા મળી આવ્યા હતા.
આ અંગે જેલર એચ.ઓ. વાળાએ જણાવ્યું હતું કે, ચારેય કેદીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે પોક્સો અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં જેલમાં હોવાથી કયારેય જેલમાંથી છુટશું નહી એવું માની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બેરેકના સળીયા વાળી નાસી જવાના પ્રયાસ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઘણા પગલે એ ડિવિઝનના મહિલા પીએસઆઇ વી. એલ. લખધીરે તપાસ હાથ ધરી હતી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
