તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
આટકોટના માથાભારે શખ્સોની દાદાગીરીથી સરધાર ગામ જડબેસલાક બંધ રહયું
સરધારના વેપારીએ અગાઉના પૈસા બાકી હતા તે લીધા બાદ નવા ટાયર બાકી ન આપતા વેપારી ઉપર જીવલેણ હુમલો : પોલીસે હજુ હુમલાખોરની ધરપકડ ન કરતા સરધાર ગામમાં ભારે રોષ

રાજકોટ, તા.,૩૦ : રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા સરધાર ગામમાં ચાર દિવસ પહેલા આટકોટના માથાભારે સિકંદર જુમાભાઈ સંધિ અને તેના પુત્ર દ્વારા વેપારીએ ટાયર ઉધાર ન આપતા વેપારી ઉપર હુમલો કર્યો હતો ચાર દિવસ બાદ પણ પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નહીં કરતા ગઈકાલે સરધાર ગામ રોષપૂર્ણ ઝડબેસલાખ બંધ રહ્યું હતું.
આ અંગે મયુરભાઈ કાનજીભાઈ વસોયાએ લખાવેલ ફરિયાદ મુજબ પોતે સરધારના ભુપગઠ ચોકડી પાસે માટેલ ટાયર નામની દુકાન ચલાવે છે.
ગત તા. ૨૬ ના રોજ બપોરે ૪ વાગ્યા આસપાસ મારી દુકાને આટકોટના સિકંદર સંધિ તથા તેની સાથે બે અજાણ્યા શખ્શો મારી દુકાને આવેલા સિકંદરે તેની કારમાં બે ટાયર નાખવાના છે તેવું મને કહેતા મેં તેમને કહેલું અગાઉ મારી પાસેથી બાકીમાં ટાયર લઈ ગયા છો તેના પૈસા તો આપો બાદમાં સિકંદરે તેની સાથે આવેલ સફેદ શર્ટ વાળા ભાઈને કહ્યું કે આમના google pay માં બે હજાર નાખી દે મને સફેદ શર્ટ શખ્સે બે હજાર આપી દીધા બાદમાં સિકંદરે મને કહેલું કે મને સિયાટ કંપનીના કારના બે ટાયર આપો ત્યારે મેં કહેલું હું સિયાટ કંપનીના ટાયર નથી રાખતો તો મને કહે કે મેં તમને આપેલા બે હજાર રૂપિયા મને પરત આપો,મેં કહ્યું એ તો મારા અગાઉના બાકી હતા તે તમે આપ્યા છે એ હું તમને કેમ પાછા આપુ.
આ વાતચીત દરમિયાન સિકંદર ઉશકેરાઈ ગયેલ અને મને ધમકી આપવા લાગેલો કે તું મને ટાયર નહીં આપે તો હું તને મારી નાખીશ તેમ કહી ગાળો આપવા લાગેલ આ દરમિયાન તેની સાથે આવેલા સફેદ શર્ટવાળા શખ્સે મને ગાલ ઉપર ત્રણ ફડાકા મારી દીધેલા ત્યારબાદ સફેદ શર્ટ વાળો શખ્સ દોડીને કારમાંથી છરી કાઢી મને મારવા દોડેલો હુ દોડીને બાજુમાં આવેલ પાનની દુકાને જતો રહેલ આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થઈ જતા સિકંદર સંધિ અને તેની સાથેના શખ્સો નાસી છૂટયા હતા.
આ બનાવથી સરધાર ગામમાં રોષ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વેપારીઓ બનાવ સ્થળે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો.
ચાર દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતા પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ ન કરી હોય ગઈકાલે સરધાર ગામ રોષ પૂર્ણ અને જડબેસલાક બંધ રહ્યું હતું.
ગઈકાલે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ લક્કડ,તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઇ પાણ, સરપંચ પીન્ટુભાઇ ઢાંકેચા સહિત ગામના આગેવાનોની આગેવાની હેઠળ તમામ સમાજના ગ્રામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહેલ જેમાં નક્કી કરવામાં આવ્યા મુજબ જો પોલીસ આવા લુખ્ખા તત્વોની તાત્કાલિક ધરપકડ કરી હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી આંદોલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આટકોટનો આ સિકંદર સંધિ અગાઉ ગ્રામ પંચાયતનો સભ્ય રહી ચૂકયો છે તેની સામે અને તેના પુત્ર સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
