તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th June 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ સરહદના સંત્રીઓને અભિનંદન : ખાવડા BOP પર BSF જવાનો સાથે ભોજન અને સંવાદ!
શાળા પ્રવેશોત્સવ પૂર્વે મુખ્યમંત્રીની શૌર્યભૂમિ કચ્છની મુલાકાત : ૧૯૭૧ના યુદ્ધના વિજેતા ૮૫ બલૂચ બટાલિયનના જવાનોની ફરજ નિષ્ઠાને બિરદાવી : દેશ પ્રત્યેના સમર્પણનું આપ્યું ઉદાહરણ!

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળ પ્રવેશોત્સવ-૨૦૨૫ ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ દેશની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા સરહદના સંત્રીઓને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું. આ બટાલિયનનો ઇતિહાસ શૌર્ય અને બલિદાનથી ભરેલો છે. ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યું હતું. ૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઇન્સિગ્નિયા અને રાઇફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતા ની ઓળખ અપાવી છે.
આ ઉપરાંત, તાજેતરમાં જ સંપન્ન થયેલા 'ઓપરેશન સિંદૂર' માં પણ ૮૫ બટાલિયન BSF એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બટાલિયનના જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિઓમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહીને ફરજ નિષ્ઠા દાખવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ 'ઓપરેશન સિંદૂર' ની જે સફળતા મેળવી છે, તે બદલ મુખ્યમંત્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જવાનોને સંબોધન કરતા જણાવ્યું કે, "ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે." તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે, ગુજરાત ફ્રન્ટિયર BSF ના આઈ.જી. અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ BSF ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ભુજમાં "BSF રેઈઝીંગ ડે પરેડ" ની ઉજવણી કરાશે તેવી પણ જાહેરાત કરી હતી.
આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, BSF વેસ્ટર્ન કમાન્ડના એડીજી એસ.એસ. ખંધારે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, BSF ભુજના ડીઆઈજી અનંતકુમાર સિંઘ, ૮૫ બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમાર સહિત જવાનો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
