તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
કન્યા કેળવણી માટે વાલીઓ જાગૃત બને, સરહદી વિસ્તાર ખાવડામાં કલેક્ટરે બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ
કચ્છ કલેક્ટરએ જણાવ્યું કે, બાળકો સ્કૂલમાં હોંશેહોંશે ભણવા આવે એવું વાતાવરણ ઊભું કરવું એ આપણા સૌની જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : સમગ્ર રાજ્યમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજના ખાવડા ખાતેની ઉચ્ચતર માધ્યમિક શાળામાં "શાળા પ્રવેશોત્સવ" કાર્યક્રમ યોજાયો હતો.
કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે બાળકોને વ્હાલથી આવકાર આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. કલેક્ટરએ બાળકોને શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કચ્છ કલેક્ટરએ જણાવ્યું હતું કે, બાળકો સ્કૂલમાં હોંશેહોંશે ભણવા આવે એવું વાતાવરણ ઊભું કરવું એ આપણા સૌની જવાબદારી છે. તેઓએ ખાસ કરીને વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે વાલીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત બાળકો પર્યાવરણ જાળવણી પ્રત્યે સંવેદનશીલ બને અને શાળામાં તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું રહે તે બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. કલેક્ટરશ્રીએ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ જ આગળ વધો એવા સ્નેહપૂર્વક આર્શીવાદ આપ્યા હતા.
આ પ્રસંગે તાલીમી આઈ.એ.એસ અધિકારી સુશ્રી એમ. ધારીણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે કચ્છ જિલ્લામાં કોઈપણ બાળક વિદ્યાથી વંચિત ના રહે એ લક્ષ્ય હાંસલ કરવા માટે વાલીઓને સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે તાલુકા શિક્ષણાધિકારી, ખાવડાના સિનિયર નાયબ મામલતદારની અમિત પરમાર, શાળાના આચાર્ય અંકિતાબેન સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
