તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી : રાજકોટ બાદ મોરબી જિલ્લામાં પણ 'ટ્વેન્ટી-ટ્વેન્ટી' જેવી રમઝટ : ટંકારામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ! : જુઓ વિડીયો
દક્ષિણ ગુજરાત બાદ બપોર પછી સૌરાષ્ટ્ર તરફ મેઘરાજાની આગેકૂચ : મોરબીમાં ૯ મીમી જ્યારે વાંકાનેરમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો : ખેડૂતોમાં આનંદની લાગણી

(જયેશ ભટાસણા દ્વારા), ટંકારા : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મેઘવર્ષાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે બપોર બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ પોતાની આગેકૂચ કરી છે. રાજકોટ પંથકમાં ધબધબાટી બોલાવ્યા બાદ ગુરુવારે સાંજે ચારથી છ વાગ્યાના અરસામાં મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ 'ટ્વેન્ટી-ટ્વેન્ટી' જેવી રમઝટ બોલાવી હતી. આ બે કલાકના ટૂંકા ગાળામાં ટંકારામાં સવા બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે મોરબીમાં ૯ મીમી અને વાંકાનેરમાં ૧૨ મીમી વરસાદ વરસ્યો હતો.
આજે મોરબી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના ૪ વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદે ધરતીને તરબોળ કરી દીધી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા નોંધાયેલા આંકડા મુજબ, આજના વરસાદમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયો હતો, જ્યાં માત્ર ૨ કલાકમાં ૬૦ મીમી એટલે કે આશરે સવા ૨ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. ટંકારામાં વરસેલા આ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે આ વરસાદ વાવણી માટે અત્યંત અનુકૂળ મનાઈ રહ્યો છે.
જ્યારે વાંકાનેર તાલુકામાં ૧૨ મીમી વરસાદ નોંધાયો હતો, તો મોરબી તાલુકાના મુખ્ય મથકે ૯ મીમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાવણીલાયક વાતાવરણ બન્યું છે અને ખેડૂતો હવે વાવણીના કાર્યમાં જોતરાશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની આ એન્ટ્રીથી સૂકા પડેલા ખેતરોને નવજીવન મળ્યું છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
