<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે અષાઢી બીજ મહોત્‍સવઃ ભાવનગર શ્રી જગન્‍નાથજી મંદિરે નેત્રોત્‍સવ વિધી સંપન્‍ન

ભગવાનશ્રી જગન્‍નાથજીની રથયાત્રા નીકળશેઃ ગામે ગામ ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદનું આયોજન

રાજકોટ તા. ર૬ :.. કાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અષાઢી બીજ મહોત્‍સવ ઉજવાશે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર :..  દર વરસની પરંપરા મુજબ આગામી તા-૨૭/૦૬/૨૦૨૫ને શુક્રવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા સવારે ૮ કલાકે ભાવનગરના રાજમાર્ગો પરથી પસાર થવાની છે જેને ગણતરીની કલાકો બાકી છે.આ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

રથયાત્રા પહેલા ભગવાનના જે જે પ્રસંગો ઉજવાય છે તેમાં અખાત્રીજના દિવસે રથનું સમારકામ શરૂ થાય છે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવે છે ત્‍યારબાદ ભગવાન જેઠ સુદ પૂનમ થી જેઠવદ અમાસ સુધી મામાના ઘરે જાય છે ભગવાનને મોસાળમાં ખૂબ લાડકોડથી રાખવામાં આવે છે તેથી ભગવાનને શરદી, તાવ અને આંખ આવે છે.

ભગવાન આજરોજ જેઠવદ અમાસના દિવસે મોસાળ થી નિજ મંદિરે પધારતા ભગવાનની સુશ્રુષા કરવામાં આવે છે.દવા આપવામાં આવે છે અને આંખ આવી હોવાથી ભગવાનના નેત્રોમાં દવા, મધ લગાવી પાટા બાંધવામાં આવે છે જેને નેત્રોત્‍સવ વિધિ કહેવામાં આવે છે.

આજરોજ ભાવનગરમાં સુભાષનગર ખાતે આવેલ ભગવાન શ્રી જગન્નાથજી મંદિરે સાંજે ૫ કલાકે શાષાોક્‍ત વિધિ સાથે નેત્રોત્‍સવ વિધિ સંપૂર્ણ કરવામાં આવેલ છે

આ નેત્રોત્‍સવ વિધિમાં ટ્રસ્‍ટના કાર્યકારી અધ્‍યક્ષ શ્રી ગોંડલીયા મનસુખભાઈ વસાણી તથા વિશાલભાઈ ત્રિવેદી અને વિજયભાઈ ખોડાના હસ્‍તે આ નેત્રોત્‍સવ વિધિ સંપન્ન થઈ.

આ પ્રસંગે રથયાત્રા સમિતિના આગેવાનો, શિવવિહાર ટ્રસ્‍ટના  હરપાલસિંહજી રાણા, શુભેચ્‍છકો, વિશાળ સંખ્‍યામાં ભાવિક ભાઈ-બહેનો ભાવવિભોર થઈ ઉપસ્‍થિત રહ્યા.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :..આટકોટના લુહાર સુથારના કુળદેવી માતાજી લોયણ

માતાજીના મંદિરે અષાઢી બીજ ની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તારીખ ૨૭ ના રોજ શુક્રવારના રોજ અષાઢી બીજ લોયણ માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન તેમજ ભવ્‍ય રથયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે આયોજક જે.પી રાઠોડ સહિત નાં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે આ કાર્યક્રમમાં સંતો હરીહરા નંદ ભારતી બાપુ તેમજ શીલા દેવી સહિત સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે એમ જ ભવ્‍ય સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં ભજન ની રમઝટ બોલશે સમસ્‍ત લુહાર સુથાર ના ભક્‍તજનો ઉપસ્‍થિત રહી માતાજીના દર્શન કરી ધન્‍ય બનશે.

(11:35 AM IST)