<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

કચ્‍છમાં શિફા હોસ્‍પિટલ સંચાલિત ફરતા દવાખાનાનો લાભ ૨૮૩૭ દર્દીએ લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: મુસ્‍લિમ શિફા મેડિકલ ટ્રસ્‍ટ સંચાલિત ફરતા દવાખાનાનો પ્રારંભ માર્ચ-૨૦૨૫ થી થયેલ છે. એમ્‍બ્‍યુલન્‍સ મારફત તબીબ અને તેમના આસિસ્‍ટન્‍ટ સપ્તાહમાં ભુજ તાલુકાના ૫૭ જેટલા ગામોમાં જાય છે. 

અને દર્દીઓને તપાસી દવાઓ આપે છે. દર્દીઓ પાસેથી રાહત દરે માત્ર દવાઓના પૈસા લેવામાં આવે છે. કન્‍સલ્‍ટીંગ કે અન્‍ય કોઈ ચાર્જ લેવામાં આવતા નથી. ફરતા દવાખાના દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ મુજબ દર સોમવારના-૭, મંગળવારના-૯, બુધવારના-૯, ગુરુવારના-૧૧, શુક્રવારના-૭, શનિવારના-૯ અને રવિવારના-૫ ગામોમાં તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.શિફા હોસ્‍પિટલના એમ્‍બ્‍યુલન્‍સ ઈન્‍ચાર્જ હાજીઈશાક હિંગોરાએ માહિતી આપી છે કે, ગત ત્રણ માસમાં ફરતા દવાખાના દ્વારા ૫૭૮૩ કિ.મી. ની રનિંગ થઈ છે.

સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર ૧૬૬ વખત ગામડાઓની મુલાકાત લેવાઈ છે અને કુલ ૨૮૩૭ દર્દીઓને સારવાર અપાઈ છે. ફરતા દવાખાનામાં ડો. મનોજ સિયાલ તથા એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઈવર રાયમા મોહમ્‍મદભાઈ પોતાની સેવાઓ આપી રહ્યા છે. 

(11:30 AM IST)