તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
પોરબંદર નટવર ચોક શાક માર્કેટનું જર્જરિત બિલ્ડીંગઃ બકાલું વેચનારાઓ પરેશાન
દરવાજા પાસે અંદરના ભાગે ભરાતા વરસાદના પાણીઃ સીમેન્ટના બનાવેલા થડા ધુળધાણીઃ છત્ત ઉપરથી વારંવાર પડતા નાના-મોટા પોપડાઃ શાક માર્કેટની અંદર બંધિયાર ભરાયેલા પાણીથી દુર્ગંધઃ મચ્છરો તથા જીવાતોનો ત્રાસઃરોગચાળાને આમંત્રણઃ ઇલેકટ્રીક વાયરીંગ સડી ગયુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રપ :.. માણેક ચોક પાસે નટવર ચોકની વર્ષો જૂની શાક માર્કેટની બિલ્ડીંગ અતિ જર્જરિત બની ગયું છે. જયારે પાલિકા હતી ત્યારે નિયમીત રીનોવેશન કરવામાં આવતું ન હોય આજે જર્જરિત શાક માર્કેટ બની છે.
નવરચિત મહાનગરપાલિકા નટવર ચોક શાક માર્કેટની મરામત ઉપર ધ્યાન આપે તેવુ આ શાક માર્કેટના વેપારીઓ માગણી કરી રહ્યા છે.
નટવર ચોક શાક માર્કેટની સમયાંતરે મરામત કરવા અગાઉ વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ ધ્યાન અપાતું નથી. શાક માર્કેટની મરામત નહીં કરવા પાછળ ‘કવર' ની બોલબાલા ચર્ચિત બની છે.
નટવર ચોક શાક માર્કેટની અંદર પ્રવેશ કરતા વરસાદનું પાણી ભરેલું છે. આ પાણીના નિકાલનાં અભાવે ગંદકી થઇ છે. મચ્છરો અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે.
શાક માર્કેટમાં ગંદકીને લીધે આ સ્થળ રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે.
આ શાક માર્કેટમાં બકાલુ વેચવા માટેના સીમેન્ટના થડા આજે ધુળ ધાણી થઇ ગયા છે. કેટલાંક વેપારીઓ શાક વેચવાનું બંધ કરીને અન્ય સ્થળે ચાલ્યા ગયા છે. શાક માર્કેટની છતમાં વરસાદનું પાણી પડે છે. છત ઉપરથી વારંવાર નાના-મોટા પોપડા પડે છે. તેથી વેપારીઓ અને શાક ખરીદવા આવતા લોકો ઉપર જોખમ રહે છે.
શાક માર્કેટનું ઇલેકટ્રીક વાયરીંગ જુનુ થઇ ગયું છે. ચોમાસામાં ભેજને લીધે શોર્ટ લાગે છે. નવરચિત મહાનગરપાલિકા નટવર ચોક શાક માર્કેટ બિલ્ડીંગની મરામત કરીને અંદર સુવિધા વધારે તેવી માગણી ઉઠી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
