તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
વાંકાનેર બાઉન્ડ્રીએ ફ્રુટની લારી સાથે કારચાલકે દંપતિને ઉલાળ્યું: પતિનું મોત, પત્નિ સારવારમાં
ચોટીલાના બોરીયાનેસ ગામના હિમતભાઇ ઉગરેજીયાએ ઘટના સ્થળે જ દમ તોડયોઃ પત્નિ ભારતીબેન સારવારમાં: દિકરીનો બચાવઃ દંપતિ, પુત્રી ફ્રુટ વેંચવા ઉભા હતાં

રાજકોટ તા. ૨૩: વાંકાનેરની બાઉન્ડ્રી પાસે અજાણ્યા કારચાલકે ફ્રુટની લારીને ઉલાળી દેતાં આ લારી સાથે ફ્રુટ વેંચવા ઉભેલા ચોટીલાના બોરીયાનેસના પતિ-પત્નિ પણ ઠોકરે ચડી જતાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નિને ઇજા થતાં સારવાર હેઠળ છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ બોરીયાનેસ ગામે રહેતાં હિમતભાઇ શામાભાઇ ઉગરેજીયા (ઉ.વ.૩૭) અને તેના પત્નિ ભારતીબેન હિમતભાઇ ઉગરેજીયા (ઉ.વ.૩૫) તથા સત્તર વર્ષની દિકરી રવિવારે સાંજે વાંકાનેરની બાઉન્ડ્રી નજીક પોતાની ફ્રુટની લારી ઉભી રાખી ફ્રુટ વેંચતા હતાં ત્યારે અજાણી કારનો ચાલક રેંકડી સહિત આ પતિ-પત્નિને ઠોકરે લઇ ભાગી ગયો હતો. સદ્દનસિબે તેમની દિકરીનો બચાવ થયો હતો.
ગંભીર ઇજા થતાં હિમતભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે તેના પત્નિ ભારતીબેનને ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર હિમતભાઇ બે ભાઇ પાંચ બહેનમાં છઠ્ઠા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
