<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ

ડાયવર્ઝન રસ્‍તો ધોવાઈ જતા વસ્‍તડી સહિત અંદાજે ૧૦થી વધુ ગામોના લોકોને હાલાકી

વઢવાણ, તા.૨૩: વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે તેમાં ઉપવાસમાં અવિરતપણે વરસાદ પડતા વઢવાણના વસ્‍તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્‍તા પર વરસાદી પાણી ફરી વળતાં રસ્‍તો ધોવાઈ ગયો છે. વસ્‍તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર ડાયવર્ઝન રસ્‍તો ધોવાઈ જતા વસ્‍તડી સહિત અંદાજે ૧૦થી વધુ ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ન છુટકે ૭ થી ૮ કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. જ્‍યારે સામાકાંઠે શાળા આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે તેમજ વિદ્યાર્થીઓના અભ્‍યાસ પર તેની અસર પડી રહી છે.

વઢવાણ તાલુકામાં વરસાદે વિરામ લીધાને દોઢ થી બે દિવસ જેટલો સમય થઈ ચુકયો હોવા છતાં નદીમાં પાણીની સ્‍થિતિ જેમની જેમ જોવા મળી રહી છે. ગામના સરપંચ સહિત આગેવાનોએ અનેક વખત ડાયવર્ઝન રસ્‍તાને સરખો અને રીપેરીંગ કરવા તેમજ નવો પુલ બનાવવા રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્‍યો નથી જેના કારણે દર ચોમાસામાં આવી જ પરિસ્‍થિતિ સર્જાય છે.

ઉલ્લેખનીય છે કે ચુડા, રાણપુર, બોટાદ સહિતના ગામોને જોડતા વસ્‍તડી ગામનો મુખ્‍ય પુલ ૨૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ના રોજ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્‍યો નથી અને વૈકલ્‍પિક ધોરણે નદીમાં કાચો ડાયવર્ઝન રસ્‍તો બનાવવામાં આવ્‍યો છે જે દર ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્‍યારે તંત્ર દ્વારા તાત્‍કાલીક નવો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

(10:57 AM IST)