તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
ટંકારાના રોહિશાળા નજીક વોકળામાં ડૂબી જવાથી યુવકનું કરુણ મોત : મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બનતા અને વોકળો બે કાંઠે વહેતા ઘટના બની : મૃતક જાલમસિંહ બામણીયાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ : ટંકારા પોલીસ ઘટનાસ્થળે

જયેશ ભટાસણા, ટંકારા : ટંકારા પંથકમાં આજે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ટંકારા તાલુકાના રોહિશાળા ગામે ખેતરો જળમગ્ન બની ગયા હતા અને સ્થાનિક વોકળાઓ બે કાંઠે વહેતા જોવા મળ્યા હતા. આ વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વોકળો પાર કરવા જતા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિશાળા અને દહીંસરાને જોડતા કાચા માર્ગ પર એક વોકળો પસાર કરવા જતાં બે યુવકો પાણીમાં ફસાયા હતા. તેમાંથી એક યુવક તો હેમખેમ બહાર નીકળી આવવામાં સફળ રહ્યો હતો, પરંતુ જાલમસિંહ સુરસિંહ બામણીયા (ઉંમર ૩૫ વર્ષ) નામનો યુવક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો ન હતો.
આ ઘટના અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા, તેમણે તુરંત મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકને શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ જાલમસિંહ બામણીયાનો મૃતદેહ મળી આવ્યો હતો.
હાલમાં ટંકારા પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ખસેડવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળે ટંકારા પી.આઈ. કે. એમ. છાસિયા, ડી. સ્ટાફના જમાદાર જસપાલસિંહ, રાજુભાઈ કણજારીયા, કોન્સ્ટેબલ ધવલભાઈ પટેલ સહિતની પોલીસ ટીમ હાજર રહીને વધુ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાએ ટંકારા પંથકમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે અને વરસાદી માહોલમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
