તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
કચ્છના રાપર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉત્સાહભેર મતદાન : ૨૭ પંચાયતોના ભાવિ આજે EVMમાં સીલ થશે : જુઓ વિડીયો
૨૪ સામાન્ય અને ૩ પેટા ચૂંટણી માટે મતદારોનો ઉમંગ : મુંબઈ-પુણેથી પણ વતન આવ્યા NRI મતદારો : સવારે ૯.૮૦% મતદાન, ૪૭,૮૪૨ મતદારો આપશે જનાદેશ : કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભુજ (વિનોદ ગાલા દ્વારા): કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન બેલેટ પેપર દ્વારા ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. તાલુકાની કુલ ૨૪ ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આડેસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે, તેમજ બાદરગઢ અને ખીરઈ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આજની ગ્રામ પંચાયત ચૂંટણીમાં રાપર તાલુકાના મુખ્ય ગામો જેવા કે સુવઈમાં સરપંચ પદ માટે મતદાન થયું છે, જ્યારે બાકીના તમામ સદસ્યો બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત, બાલાસર, ગેડી, ફતેહગઢ, ચિત્રોડ, રામવાવ, સણવા, માખેલ, આણંદપર, માંજુવાસ અને વ્રજવાણી જેવા ગામોમાં રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. આ ગામોમાં સ્થાનિક મતદારો ઉપરાંત, મુંબઈ, પુના, બેંગલોર, સુરત, વલસાડ, વડોદરા, થાણા સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા મતદારો પણ મતદાન કરવા માટે વતન ઉમટી પડ્યા હતા, જે લોકશાહીના આ પર્વ પ્રત્યેના તેમના ઉત્સાહને દર્શાવે છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સવારે પ્રથમ બે કલાકમાં ૯.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. ૨૪ ગામોમાં કુલ ૪૭,૮૪૨ મતદારો નોંધાયેલા છે, જેમાં ૨૪,૮૦૨ પુરુષ મતદારો અને ૨૩,૦૪૦ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે, જેઓ આજે પોતાના મનપસંદ ઉમેદવારને જનાદેશ આપશે.
રાપર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા (ગાંધીધામ), નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા (ભચાઉ), રાપર મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર બી.કે. કોરાટ, ડી.પી. રાઠોડ, એસ.બી. ઘાસુરા, વિશાલ મહેશ્વરી, પ્રવીણભાઈ સોનગરા અને બી.જે. ચાવડા સહિતના અધિકારીઓ કામગીરી સંભાળી રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાપર પીઆઇ જે.બી. બુબડીયા, આડેસર પીઆઇ જે.એમ. વાળા, ગાગોદર પીઆઇ વી.એ. સેગલ, બાલાસર પીએસઆઇ એસ.વી. ચૌધરી, મહિલા પીઆઇ આર.સી. રામાનુજ સહિત ૬૫ મતદાન મથકો પર સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં દસ પીએસઆઈ, ૯૨ પોલીસ કર્મચારીઓ, ૧૩૦ જીઆરડી અને હોમગાર્ડ જવાનો તેમજ ૨૬ હથિયારો સાથેના જવાનો ફરજ બજાવી રહ્યા છે. રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ દ્વારા સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
