તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ધ્રાંગધ્રા હાઈવે ઉપર ચાર લાખની ઠંડા પાણીની બોટલો ભરેલ ટ્રકમાંથી ૪૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પાટડી પાસે કારમાંથી પોણા બે લાખનો દારૂ મળેલઃ દારૂ આટકોટના શખ્શે ભરાવી આપ્યો હતોઃ દસાડામાં પોલીસે તાળુ તોડી બંધ ઓરડીમાંથી ૩ લાખનો દારૂ જપ્ત કર્યો

(ફરુક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૧: જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે, દસાડા-પાટડી રોડ, પાટડીના પાટડીયાવાસ, લીંબડીના પાણશીણા-ભોજપરી રોડ અને થાનમાં પોલીસે દારૂની બદીને ડામવા દરોડા કર્યા હતા. જેમાં ૬ આરોપીઓ દારૂ, બીયર, ટ્રક, મોબાઈલ, રોકડ, કાર સહિત રૂપીયા ૭૦,૦૩,૧૩૬ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં વોન્ટેડ ૫ આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ આર.એચ.ઝાલા, પરીક્ષીતસીંહ, દશરથભાઈ, કીશનભાઈ સહિતનાઓ દસાડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખીયાણા ગામના બોર્ડ પાસે આવેલ રામદેવ હોટલે અવારનવાર ગેરકાયદેસર પ્રવૃતી થતી હોય ટીમે ત્યાં જઈ વાહનોની તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટ્રકમાં ઠંડા પીણાની બોટલો ભરેલી હતી. આ ટ્રકમાં દારૂ હોવાની શંકા જતા ટ્રકની તપાસ કરી ઠંડા પીણાની બોટલો નીચે ઉતારતા તેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ટ્રકના ચાલક રાજસ્થાનના સુજારામ કાનારામ દેવાસી, કલીનર દીપારામ મોડારામ દેવાસીની દારૂની ૩૪૨૦ બોટલો, બીયરના ૨૧૩૬ ટીન સહિત રૂપીયા ૪૧,૪૬,૪૮૦, રૂપીયા ૧૦ હજારના ૨ મોબાઈલ ફોન, ઠંડા પીણાની ૧૩૮૦ બોટલો કિંમત રૂપીયા ૪,૪૭,૭૦૦, ૧૫ લાખના ટ્રક સહિત કુલ રૂપીયા ૬૧,૦૪,૧૮૦ની મત્તા સાથે ધરપકડ કરી હતી. જેમાં ચાલકની પુછપરછ કરતા આ દારૂ ઓમપ્રકાશ બીશ્નોઈએ મોકલ્યો હોવાનું તથા માળીયામાં આપવાનો હોવાનું જણાવતા તમામ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયા, ભારતસીંહ જાડેજા, રોહીતભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન દારૂ ભરેલ સફેદ કલરની ઈકો કાર દસાડાથી પાટડી તરફ આવનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ કાર આવતા તેને રોકી તપાસ કરાતા તેમાંથી દારૂ-બીયર મળી આવ્યા હતા. આથી પોલીસે કાર ચાલક બનાસકાંઠાના થરાદ તાલુકાના કેસરગામ ગામના સીધ્ધરાજસીંહ અણદસીંહ ચૌહાણ, જોરા શકરાજી મનવરની દારૂની નાની-મોટી ૧૭૯ બોટલ, ૨૭ બીયરના ટીન સહિત રૂપીયા ૧,૮૭,૮૧૦, રૂપીયા ૨ લાખની કાર, રૂપીયા ૧૦ હજારના ૨ મોબાઈલ મળી કુલ રૂપીયા ૩,૯૭,૧૮૦ની મત્તા સાથે ધરપકડ કરી હતી.
આ બન્નેની પુછપરછ કરતા આ દારૂ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામના રમેશ પોપટભાઈ પટેલે રાજસ્થાનના એક ઠેકાથી ભરાવી આપ્યો હતો. અને તે બસમાં બેસી ગયો હતો. જયારે ચોટીલા-રાજકોટ રોડ વચ્ચે તે સામેથી આવીને કાર લઈ જશે તેમ કહ્યુ હતુ. પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ આર.જે.રાઠોડ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડા પીઆઈ વાય.જી.ઉપાધ્યાય સહિતની ટીમને પાટડીયાવાસમાં આવેલ અરજણભાઈ ભગાભાઈ ઠાકોરની ઓરડી ભાડે રાખી તેમની જાણ બહાર વિક્રમ ઉર્ફે વીકો ભાવુભાઈ લેઢવાણીયા, નરેશ રાયસંગભાઈ લેઢવાણીયા, ભરત રમેશભાઈ લેઢવાણીયા વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં ઓરડીને મારેલ તાળુ પંચોની હાજરીમાં તોડી તપાસ કરતા તેમાંથી રૂપીયા ૩,૧૦,૦૦૨નો દારૂ-બીયર મળી આવ્યો હતો. પોલીસે હાજર ન મળી આવનાર ત્રણેય આરોપીઓ સામે ગુનો દસાડા પોલીસ મથકે નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
પાણશીણા પોલીસ મથકના ભરતભાઈ સભાડ સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન લીંબડીથી હડાળા તરફ જતી સફેદ કલરની સ્વીફટ કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા પાણશીણા-ભોજપરી રોડ પર વોચ રાખી હતી. જેમાં લીંબડી તાલુકાના કમાલપુર ગામનો નરેન્દ્રસીંહ રાજેન્દ્રસીંહ ઝાલા વિદેશી દારૂની ૨૪ બોટલ કિંમત રૂપીયા ૩૧,૨૦૦, રૂપીયા ૫ હજારનો મોબાઈલ, રૂપીયા ૧૧૪૦ રોકડા તથા ૧.૫૦ લાખની કાર સહિત રૂપીયા ૧,૮૭,૩૪૦ની મત્તા સાથે પકડાયો હતો. જયારે થાનના બોડીધાર વિસ્તારમાંથી સમીર જાકીરભાઈ પીરઝાદા વિદેશી દારૂની ૬ બોટલો કિંમત રૂપીયા ૪૪૩૪ સાથે પકડાયો હતો.
લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી બે શખ્સ બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈને લીંબડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ રાખીને સચિન જીતેન્દ્રભાઈ વાઘેલા (રહે.વઢવાણ) તથા પારસ વિનોદભાઈ સોલંકી (રહે. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતાં. બંને શખ્સો પાસેથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિ.રૂ. ૫૭૬૦, એકિટવા કિ.રૂ. ૫૦,૦૦૦ અને બે મોબાઈલ કિં.રૂ.૧૦,૦૦૦ મળીને કુલ રૂ.૬૫,૭૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછપરછ કરતાં રાહુલ (રહે. લીંબડી નદીકાંઠે) પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર રાહુલ તથા ખરીદનાર સચિન વાઘેલા અને પારસ સોલંકી સહિત ત્રણેય શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
