તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ભુજ SOGનો 'ડિજિટલ ઠગ' પર સકંજો : નકલી નોટો અને સસ્તા સોનાની રીલ બનાવનાર ઝડપાયો : ઇન્સ્ટાગ્રામ પર ચાલતો હતો છેતરપિંડીનો ખેલ!
અંજુમ જુસબ સમા નામનો શખ્સ બનાવટી ID થી લોકોને અસલ નોટોના બદલે ત્રણ ગણી નકલી નોટો અને ૧૫% ડિસ્કાઉન્ટથી સોનું આપવાની લાલચ આપતો હતો : જલ્દી પૈસા કમાવવાની લાલચ લોકોને ઠગાઇનો ભોગ બનાવે છે : પોલીસ હવે આકરા પાણીએ

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી નોટો અને સસ્તા ભાવે સોનાની લાલચ આપી ઠગાઈ કરતા કિસ્સાઓમાં વધારો થતા, પોલીસ હવે આવા ઠગ લોકો અને ચીટર ગેંગ સામે સક્રિય કાર્યવાહી કરી રહી છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા દ્વારા લોકોને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાને પગલે ભુજ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે મોટી સફળતા મેળવી છે.
એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. ગઢવી અને તેમની ટીમ સોશિયલ મીડિયા પર આવી લોભામણી લાલચો આપતી યુઝર આઇડી પર બાજ નજર રાખી રહી હતી. આ દરમિયાન, "currency__dealer" નામથી બનાવેલ એક ઇન્સ્ટાગ્રામ આઇડી એસઓજીની નજરમાં આવ્યું. આ આઇડી પર ભારતીય ચલણની રૂ.૧૦૦/-, રૂ.૨૦૦/- અને રૂ.૫૦૦/- ના દરની નોટોના બંડલોના વીડિયો બનાવી, તેના પર મોબાઈલ રાખી "5 lakh ka 15 lakh" અને "Hand to hand deal face to face" જેવા લખાણો લખવામાં આવતા હતા. આ ઉપરાંત, સોનાના બિસ્કિટ રાખીને "15% less" મુજબનું લખાણ લખી વીડિયો બનાવી રૂપિયા પડાવવાના અને છેતરપિંડી કરવાના ઇરાદે અપલોડ કરેલ હોવાનું જણાયું હતું.
ચીટરની ઓળખ અને મોડસ ઓપરેન્ડી:
આઇટી એક્સપર્ટ અને એસઓજી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ યુઝર આઇડીની ખરાઈ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, "currency__dealer" નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ભુજના કેમ્પ એરિયા, રાજેન્દ્રનગરના રહેવાસી અંજુમ જુસબ સમા (ઉંમર ૩૦) દ્વારા બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
એસઓજી ટીમે તુરંત કાર્યવાહી કરીને આરોપી અંજુમ જુસબ સમાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા તેણે આઠેક મહિના પહેલા પોતાના વીવો-૧૫ એન્ડ્રોઈડ મોબાઈલના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાના બીજા વીવો-૧૮૨૦ એન્ડ્રોઈડ મોબાઈલમાં "currency__dealer" નામથી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું. આ ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેણે લોકો પાસેથી રૂપિયા પડાવવા અને છેતરપિંડી કરવાના ઇરાદે અસલી ભારતીય રૂપિયાના બદલામાં ત્રણ ગણા ભાવે બનાવટી ભારતીય રૂપિયા આપવાના વીડિયો અને ૧૫% ડિસ્કાઉન્ટથી સોનું આપવાના વીડિયો બનાવી અપલોડ કર્યા હોવાનું જણાવ્યું હતું.
પકડાયેલ આરોપી અંજુમ જુસબ સમા ઠગાઈના ગુનાનો શાતિર ગુનેગાર છે. તેની મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લાલચમાં આવનારા વ્યક્તિઓને ફસાવી રૂપિયા પડાવી લેવાની હતી. તે પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે ખોટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવતો હતો. ત્યારબાદ, ભારતીય ચલણની રૂ.૧૦૦/-, રૂ.૨૦૦/- અને રૂ.૫૦૦/- ના દરની નોટોના બંડલોના વીડિયો અને ૧૫% ડિસ્કાઉન્ટથી સોનું આપવાના વીડિયો બનાવી, તેના પર મોબાઈલ રાખી મોબાઈલ સ્ક્રીન પર અને કેપ્શનમાં લોભામણી લાલચવાળા લખાણ સાથેના વીડિયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરતો હતો.
આ કાર્યવાહીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવી, પો.સબ.ઇન્સ. એમ.એલ.વાઘેલા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલ, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આઇ.ટી. એક્સપર્ટ ઓમ રાજગોર સહિતની ટીમ જોડાઈ હતી. આ ધરપકડથી ભુજમાં સક્રિય ચીટર ટોળકીઓને પોલીસ હવે આકરા પાણીએ છે તેવો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. લોકોને પણ જલ્દી રૂપિયા કમાવવાની લાલચમાં આવીને આવા ઠગાઇનો ભોગ ન બનવા માટે પોલીસ દ્વારા સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
