News of Friday, 20th June 2025
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં
સોમનાથ મંદિર પરિસર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં કાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી :જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, શાળાઓ-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, નાગરિકો, યોગસાધકો સહિત નાગરિકો ઉપસ્થિત રહેશે

ગીર સોમનાથ તા.૨૦ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આવતીકાલે એટલે કે તા.૨૧મી જૂનના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પરિસર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ'ની થીમ પર સવારે ૦૬.૦૦ કલાકેથી યોગ દિવસની ઉજવણી શરૂ થશે. જેમાં કાર્યક્રમના પ્રારંભે વડનગર ખાતેથી યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. જે પછી યોગ બોર્ડના તજજ્ઞો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે.
આંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની જિલ્લા કક્ષાની ઉજવણીમાં શાળા-કોલેજો, આઇ.ટી.આઇ. વગેરે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, શાળાઓ-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, નાગરિકો, યોગસાધકો સહિત નાગરિકો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવવામાં આવશે જિલ્લામાં તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેઇનરો યોગ અભ્યાસ કરાવશે.
આ યોગ દિવસની ઉજવણીમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વ શ્રી ભગવાનભાઈ બારડ, ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, કાળુભાઈ રાઠોડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની સહિત જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના કર્મચારીઓ સહભાગી થશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
