<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સરધારમાં વૃધ્‍ધ જગદીશભાઇ મકવાણાને નાના ભાઇએ લોખંડના સળીયાથી ફટકાર્યા

રાજુએ પોતાને જમવાનો આગ્રહ ન કરાતાં ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૦: સરધારમાં રહેતાં વૃધ્‍ધ પર તેના જ નાના ભાઇએ લોખંડના સળીયાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

સરધારમાં સ્‍વામિનારાયણ મંદિર પાસે રહેતાં જગદીશભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૬૭) રાતે નવેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે બહારથી તેનો નાનો ભાઇ રાજુ મકવાણા આવ્‍યો હતો અને અચાનક જ લોખંડનો સળીયો ઉઠાવી તૂટી પડતાં  જગદીશભાઇને માથામાં ઇજા થઇ હતી. ઓચીંતો હુમલો થતાં તેણે દેકારો મચાવતાં ઘરના બીજા સભ્‍યો દોડી આવ્‍યા હતાં. જગદીશભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ, પ્રશાંતભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

હુમલામાં ઘાયલ થયેલા જગદીશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે નિવૃત જીવન જીવે છે. તેનો નાનો ભાઇ રાજુ પંચાવન વર્ષનો છે અને અપરિણીતી છે. સ્‍વજનોએ કહ્યું હતું કે રાજૂને નશાની આદત છે. તે રાતે ઘરે આવ્‍યો ત્‍યારે તેને જમવાનો આગ્રહ મોટા ભાઇને નહિ કર્યાનું લાગતાં ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે જગદીશભાઇનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. 

(12:26 PM IST)