<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખોટ ધોરાજીને ક્યારેય નહીં પૂરાય : પ્લેન દુર્ઘટનામાં અવસાન બાદ શોકમગ્ન નગરજનોએ શ્રદ્ધાંજલિ અર્પી

ધોરાજીને નવી ITI, ભૂગર્ભ ગટર યોજના, ફોફળ ડેમથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ અને અંદાજે ₹100 કરોડની ગ્રાન્ટ આપી હતી : કિશોરભાઈ રાઠોડ અને નગરજનોએ દુઃખ વ્યક્ત કર્યું

ધોરાજી : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થતાં ધોરાજી શહેરમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ધોરાજીના નગરજનો અને અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ધોરાજી શહેર માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા, જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
ધોરાજીના નગરજનોએ યાદ કરતા જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને રાજકોટ જિલ્લાનું ગૌરવ એવા વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતનું સુકાન મુખ્યમંત્રી તરીકે સંભાળ્યું ત્યારે ધોરાજી પ્રત્યે તેમનો વિશેષ લગાવ હતો. તેમના નજીક ગણાતા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને અકિલાના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડ સાથે તેમના પારિવારિક સંબંધો હતા. વિજયભાઈ રૂપાણી જ્યારે જ્યારે ધોરાજી આવતા ત્યારે તે અચૂક કિશોરભાઈ રાઠોડના નિવાસસ્થાને જતા હતા અને ધોરાજીને ઘણું બધું આપ્યું હતું.
ધોરાજીના વિકાસમાં વિજયભાઈનું અમૂલ્ય યોગદાન:
 * નવી ITIની ભેટ: વિદ્યાર્થીઓ માટે ITI પહેલા ભાડાના બિલ્ડિંગમાં ચાલતી હતી. વિજયભાઈના પ્રયાસોથી ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે રોડ ઉપર અત્યાધુનિક નવી બિલ્ડીંગ ITI બનાવીને ધોરાજીના વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપી હતી. એટલું જ નહીં, ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરીની પણ તક મળે તે માટે અનેક કંપનીઓ સાથે ગઠબંધન કર્યું હતું.
 * પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ: ધોરાજીમાં ફોફળ ડેમના પીવાના પાણીની સમસ્યા લાંબા સમયથી પ્રવર્તતી હતી. તેમના શાસનકાળમાં ધોરાજીને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફોફળ યોજના મંજૂર કરી હતી.
 * ભૂગર્ભ ગટર યોજના: ધોરાજી શહેર માટે ભૂગર્ભ ગટરની યોજના પણ તેમના કાર્યકાળમાં મંજૂર થઈ હતી.
 * વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ: વિજયભાઈ રૂપાણીએ ધોરાજી શહેરને તે સમયે અંદાજે ₹100 કરોડની ગ્રાન્ટ પણ ધોરાજીના વિકાસ કાર્યો માટે ફાળવી હતી.
કિશોરભાઈ રાઠોડ અને પરિવારે વ્યક્ત કર્યું દુઃખ:
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે ભાવુક થઈને જણાવ્યું હતું કે, "અમે તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ક્યારેય ભૂલી શકીશું નહીં, કારણકે અમારા જીવન માટે તો તે માર્ગદર્શક હતા. જ્યારે જ્યારે ગાંધીનગર જાય ત્યારે વગર એપોઇન્ટમેન્ટે અમને મળવાની મુલાકાત આપતા હતા અને જે કામ લઈને ગયા હોય એ કામ પણ કોઈપણ જાતના સંકોચ વિના કરી આપતા હતા. આવા રાજકોટનું ઘરેણું અમે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ક્યારેય ભૂલી શકીશું નહીં."
સોમવારે વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારે ધોરાજીમાં પણ શોક છવાઈ ગયો હતો. આ દિવસે કિશોરભાઈ રાઠોડના પુત્ર વત્સલ રાઠોડ (સિવિલ એન્જિનિયર) નો જન્મદિવસ હતો, પરંતુ એક ઘરના મોભીની વિદાય થઈ હોય તેવા સમયે જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો નહોતો. સમગ્ર રાઠોડ પરિવારના ભીખાભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, ડોક્ટર હેમાંગ રાઠોડ, વત્સલ રાઠોડ અને સ્મિતાબેન રાઠોડે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
ધોરાજીના વિકાસ માટે વિજયભાઈ રૂપાણીનું યોગદાન હંમેશા યાદ રહેશે અને તેમની ખોટ કાયમ વર્તાશે.

 

(10:24 PM IST)