News of Wednesday, 18th June 2025
પોરબંદરઃ કોઇપણ ખર્ચ વિના અમેરિકા લઇ જવાની લાલચ આપીને દંપતી સાથે ૮ લાખની છેતરપીંડી
મારે અમેરિકા માણસો લઇ જવાના છે તેમ કહીને વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ રૂપિયા ઘટે છે તેમ કહીને ઉઘરાણી કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮: નજીકના કુછડીમાં રહેતા દંપતીને કોઇપણ ખર્ચ વિના અમેરિકા લઇ જવાની લાલચ આપીને ત્યારબાદ રૂપિયા ઘટે છે તેમ કહીને ૮ લાખ ઉઘરાવીને દંપતીને અમેરિકા નહીં લઇ જઇને છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કુછડી ગામે જે.સી.બી. ડ્રાયવિંગનો વ્યવસાય કરતા વિજય લાખણશીભાઇ ઓડેદરા નામના ર૭ વર્ષના યુવાને હાર્બર મરીન પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવેલ કે વર્ષા જેતાભાઇ ઓડેદરા સાથે વિદેશ જવા બાબતે વાતચીત કરી હતી ત્યારબાદ વિજયભાઇ અને હિરલબેન વિદેશ જવા કોશિશ કરી રહ્યા હતા. એક દિવસ વિજય કાનાભાઇ ઓડેદરાનો હિરલના મોબાઇલમાં વોટસએપ કોલ આવ્યો હતો અને એવું કહ્યું હતું કે ‘હું પોરબંદરના છાયા'નો મૂળ રહેવાસી છું અને વર્ષોથી કેલીફોર્નીયામાં રહું છું ત્યાં મારી મિલકત છે. મારે અમેરિકા માણસો લઇ જવાના છે. તમારે હાલ કોઇ ખર્ચ કરવાનો થતો નથી.' તેમ કહેતા વિજયની વાતમાં પતિ-પત્ન ભોળવાઇ ગયા હતા.
ફરિયાદી વિજય લાખણશીભાઇ ઓડેદરા અને તેના પત્ની હિરલબેન બંનેને અમેરિકા લઇ જશે અને બન્નેના રૂપિયા પણ તે ભરી દેશે તેમ જણાવ્યું હતું. એથી અમેરિકા જવા માટે બન્ને પતિ-પત્નીએ હા પાડી હતી. ત્યારબાદ પ્રાથમિક તૈયારીઓ કરાઇ હતી.ગત સાતમ-આઠમના તહેવાર સમયે વિજયે ફોન કરીને ફરિયાદી વિજયને એવું જણાવ્યું હતું કે, ‘આપણે સાત-આઠમના તહેવાર પછી નીકળવાનું છે. તમે તૈયારી કરી રાખજો' હિરલનો પાસપોર્ટ પણ આવીછ ગયો હતો તેથી તે સમયે વિજયને રૂબરૂ મળ્યા ન હતા. જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થતા વિજયે ફોન કરીને ફરીયાદીને એવું જણાવ્યું હતું કે ‘હું તમારા અમેરિકા જવા માટેના રૂપિયા ભરૂં છું પણ મારા અમેરિકન ડોલર હજુ આવ્યા નથી. એટલે ૧પ લાખ જેટલા રૂપિયા ઘટે છે. માટે એ રૂપિયા ભરવામાં મને મદદ કરો' તેમ કહેતા ફરિયાદીએ તેને કહ્યું હતું કે, ‘અમારી પાસે આટલા રૂપિયા નથી અને અમારે કેલીફોર્નીયા જવું નથી.'
બીજા દિવસે વિજય ઓડેદરાનો ફોન આવ્યો અને કહ્યું કે, ‘તમારાથી જેટલા રૂપિયાની સગવડ થાય એટલી કરી દો બાકીના રૂપિયાની વ્યવસ્થા હું કરી લઇશ' તેમ કહેતા ફરિયાદીએ તેના પરિવારજનો સાથે વાત કરી હતી ત્યારબાદ ફરીયાદીના પત્ની હિરલબેન, ભાભી સંધ્યાબેન અને માસી દેવીબેનના દાગી ફાયનાન્સની ઓફિસે ગીરવે રખાવ્યા હતા અને આ દાગીના બદલ આઠ લાખ રૂપિયા આર.ટી.જી.એસ. મારફતે ફરીયાદીના બેન્ક ખાતામાં નાખ્યા હતા. એ જ દિવસે ફરિયાદીએ વિજયને ફોન કરતા તેણે એક પ્રતાપ કે. ઓડેદરા નામના બેન્ક ખાતાના નંબર મોકલ્યા હતા.
વિજયે ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું અને વર્ષાને ફોન કરતા તે પણ અલગ-અલગ બહાના બતાવવા લાગી હતી. ત્યારબાદ ફરિયાદી વિજય લાખણશીભાઇ ઓડેદરાએ પરબત ઉર્ફે વિજય કાના ઓડેદરાને ફોન કરતા તે ખોટા બહાના બતાવવા લાગ્યો હતો. બંનેનો કોન્ટેકટ નહીં થતો હોવાથી અંતે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આવીને તે બંને વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી. આર. પટેલ ચલાવે છે. (૭.ર૩)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
