News of Wednesday, 18th June 2025
ચોટીલા આણંદપુર ચોકડી પાસે હાઇવે રોડની બંને તરફનો રોડ ખોદી નાખ્યો
રાહદારીઓમાં રોષઃ ૭૦ મીટર રોડની કામગીરી માટે ૨ માસથી પણ વધારે સમયથી રોડ ખોદેલો છે

વઢવાણ, તા.૧૮: ચોટીલા હાઈવે પર સિક્સ લાઈનની કામગીરી થઈ રહી છે. તેમાં આણંદપુર ચોકડી, જલારામ મંદિર પાસે પુલનું કામ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં આણંદપુર ચોકડી પાસે બંને તરફના રોડ ખોદી ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ રહી છે.
ચોટીલા હાઈવે પર આણંદપુર ચોકડી પાસે ૨ માસથી વધારે સમયથી ૭૦ મીટર રોડની કામગીરી કરવા માટે ખાડા ખોદીને મૂકવામાં આવેલા છે. તે હાલ તેમાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. આણંદપુર ચોકડી પાસે ચોટીલા માર્કેટિંગ યાર્ડ તેમજ ચોટીલા શહેર અને આણંદપુર જસદણ તરફનો રસ્તો હોવાથી દરરોજ વાહનો અને લોકોની ભીડ રહેતી હોય છે. તેમાં ૨ માસથી વધારે સમયથી ખાડો ખોદીને મૂકતા અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે. તેમાં હાઇવે પર એક માર્ગી બંને તરફ રસ્તા થતા વાહનોની લાઈનો લાગે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા રસ્તા પરના ધંધાર્થીઓ અને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે? આણંદપુર ચોકડી પર કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? આ રોડનું કામ કેટલા સમયમાં પૂરું કરશે? સ્થાનિકોમાં આ પ્રકારના પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
