તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
પરબધામમાં પૂ.કરશનદાસબાપુના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
૨૫ થી ૨૭ દરમ્યાન ત્રિદિવસીય ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશેઃ લોકમેળો, હવન, ભોજનનું આયોજન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૮: સોરઠધરાની અતિ પ્રાચિન અને પાવન પ્રસિધ્ધ એવી પરબધામ ની જગ્યામાં આગામી અષાઢીબીજ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે.ત્રિદિવસીય સાંસ્કળતિક લોકમેળા સહિત હોમ હવન અને યજ્ઞ સહિત ધાર્મિક આયોજન કરાયા હોય હજારો સેવકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.
ભેંસાણ નજીક આવેલી પરબ(વાવડી)ની જ્યા અતી પ્રાચીન અને પૌરાણિક મનાય છે. રકતપીતથી પીડીત દુખીઓની સેવા સાથે અહાલેક જગાવનારા સંત દેવીદાસબાપુ અને અમરમાં એ અંદાજે ચારસો વર્ષ પહેલા પરબધામમાં જીવતા સમાધી લઇ સ્વર્ગે સિધાવ્યા હતા. તે સમયથી પરબ ખાતે પરંપરાગત અષાઢીબીજની ઉજવણી થઇ રહી છે. અહી ઓલીયાપીરની અન્ય ચેતન સમાધીઓ પણ છે. પરબધામનો ઉલ્લેખ પૌરાણિક ભજનોમાં પણ જોવા મળે છે. ત્યારે શ્રધ્ધાનાં પ્રતિકસમા પરબધામમાં અષાઢીબીજ મહોત્સવમા અંદાજે વીસથી પચ્ચીસ લાખ શ્રધ્ધાળુઓ પ્રતિ વર્ષ ઉમટી પડતા હોય. જગ્યાનાં મહંત સંત પુ.કરશનદાસબાપુની નિશ્રામાં તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આંબાવાડીમાં અલાયદુ ભોજનાલય કાર્યરત થશે. જેમા સવારથી મોડી રાત સુધી લાખો શ્રધ્ધાળુઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે.
તા.૨૫નાં સવારે નવ કલાકે સ્વયંભુ ત્રિદિવસીય સાંસ્કળતિક લોકમેળો પુ.કરશનદાસબાપુનાં હસ્તે ખુલ્લો મુકાશે.તા.૨૬ નાં સવારે સાત કલાકે વિષ્ણુયાગ,રુદ્ર યાગ તથા પર્જન્યયાગ યજ્ઞનો પ્રારંભ થશે. તા.૨૭ અષાઢીબીજનાં પાવન દિવસે સવારે સાત કલાકે પુ.કરશનદાસ બાપુનાં હસ્તે નિશાન પુજન થશે. ત્રિદિવસીય રાત્રે સંતવાણીની આરાધ થશે.
સૌરાષ્ટ્રનું સૌથી મોટુ તીર્થસ્થાન ગણાતા પરબધામ ખાતે અષાઢીબીજ મહોત્સવ માં દેશ વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય આગામી મહોત્સવ માટે જુનાગઢ પ્રશાસન એલર્ટ બની બંદોબસ્ત સહિત વ્યવસ્થા ગોઠવી રહ્યુ છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
