<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

પહેલી જ વખત દારૂ પીધો અને ભાન ભુલી ગયો, રમેશ ઝડવે લટકી ગયો

પત્‍નિ જોઇ જતાં જીવ બચાવી લીધોઃ જસદણની ઘટનાઃ યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: નશો નાશનું મુળ છે એ બધા જાણે છે આમ છતાં શોખીનો હોય એ નશો કરતાં રહે છે. પરંતુ ઘણીવાર નશામાં લોકો ભાન ભુલી જતાં હોય છે અને ન કરવાનું કરતાં હોય છે. આવા જ એક બનાવમાં એક યુવાને તેના કહેવા મુજબ પહેલી જ વખત દારૂ ઢીંચ્‍યા બાદ ભાન ભુલી જતાં ચુંદડી બાંધી ઝાડવે લટકી ગયો હતો. જો કે પત્‍નિ જોઇ જતાં જીવ બચાવી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ જસદણમાં લાલભાઇની વાડીમાં રહી મજૂરી કરતો રમેશ કેન્‍દુભાઇ દેવકા (ઉ.વ.૩૦) નામનો યુવાન સાંજે આઠેક વાગ્‍યે બહારથી ઘરે આવ્‍યા બાદ ઘર પાસે ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બરાબર આ વખતે જ તેની પત્‍નિ રેખા બહાર આવતાં તે જોઇ જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને રમેશને બચાવી લીધો હતો. જસદણ હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ, પ્રશાંતભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.

રમેશના કહેવા મુજબ તે મુળ એમપીનો વતની છે. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પોતે બે બહેનનો એક જ ભાઇ છે. પહેલી જ વખત ગત સાંજે મિત્રની સાથે દારૂ પી લીધો હતો. એ પછી ભાન ભુલી જતાં લટકી ગયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)

(11:10 AM IST)