<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

શેત્રુજી છલકાતા તળાજા માટે ૧૬ આની વર્ષ : ગોહિલવાડમાં ૪ ઇંચઃ ૪૯ લોકોના રેસ્‍કયુ

આખુ ચોમાસુ હવે તળાજા સહિત ૧૨ ગામોને એલર્ટ રહેવું પડશે : ભારે વરસાદની આગાહીઃ શાળાઓમાં રજા

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૮: ચોમાસા પ્રારંભેજ એકજ દિવસ વરસેલા વરસાદે શેત્રુંજી ડેમ છલકાવી દેતા ખાસ કરીને તળાજા પંથકના ખેડૂત સહિત વેપારી વર્ગમાં હરખ ની હેલીવરસી છે. જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતો માટે આર્થિક સમળદ્ધિ ના દ્વારા ખુલી ગયાછે.જેમાં સિંચાઈ નો સૌથીવધુ લાભ તળાજા તાલુકા ને મળતો હોઈ ૧૬ આની વર્ષ માનવામાં આવી રહ્યું છે.તો હવે આખું ચોમાસુ તળાજા નગર સહિત ૧૨ ગામના લોકોને એલર્ટ રહેવું પડશે.

શેત્રુંજી ડેમના ઈજનેર બાલધીયા ડેમની ઉપર વાસ પડેલ ભારે વરસાદને લઈ ગઈકાલ થીજ સતત ફરજ પર હાજર રહ્યા.વહેલી સવાર થી ડેમની સ્‍થિતિ, પાણી ની આવક અને ડેમમાંથી કેટલું પાણી છોડવું તેનું મોનીટરીંગ કરતા રહ્યા.શેત્રુંજી જળાશય ને ભાવનગર જિલ્લાની જીવાદોરી માનવામાં આવે છે કારણકે સૌથીવધુ પિયત નો લાભ તળાજા તાલુકા ને મળે છે.એ ઉપરાંત પાલીતાણા, મહુવા,ઘોઘા ની જમીન ને પણ લાભ મળતો હોય જીવાદોરી કહેવાય છે.

તળાજા નજીક થી પસારથઈ શેત્રુંજી નદીમા ચોમાસાના પ્રથમ નીરના વધામણાં કરવા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, પાલિકા ચિફ ઓફિસર વિજયભાઈ પંડિત, નગરસેવકો પહોંચી ગયાહતા. નદીને ફૂલ અર્પણ કરવાની સાથે શેત્રુંજી મૈયાના દર્શન કર્યા હતા.

પ્રથમ વરસાદે જ ડેમ ભરાઈ જતા આજથી તળાજા શહેરનો સામોકાંઠો, ઝૂંપડપટ્ટી, દીનદયાળ નગર સહિતના રહીશો તથા દાતરડ, ભેગાળી, રોયલ, ટીમાણા, ગોરખી, લીલીવાવ, દકાના, સરતાનપર, માખણીયા, તરસરા, ભેગાળી ને આખું ચોમાસુ એલર્ટ રહેવું પડશે.

ભારે વરસાદના પગલે સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભારે વરસાદના પગલે તળાજા પંથકમાં નુકશાની,જરૂર પડે ત્‍યાં જોઈતી સરકારી અને ત્‍વરીત જોઈતી તંત્ર ની મદદ આપવા માટે જાણકાર લોકોનો સંપર્ક કરી ને ખબર લીધી હતી.

ગોહિલવાડ પંથકમાં વરસાદીમાં માહોલ જામી રહ્યો છે.

જિલ્લાના ઉમરાળામાં પાંચ ઇંચ, વલભીપુર માં સવા ચાર ઇંચ, સિહોરમાં અઢી ઇંચ, ભાવનગર શહેરમાં પોણો ઈંચ, ગારીયાધારમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે સવારે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.

ચોમાસાના પ્રારંભથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  જિલ્લાના ઉમરાળા અને વલભીપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્‍થિતિ ઊભી થઈ છે.

આજે સવારે ૬ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૧૧૫, ઉમરાળામાં ૧૨૧, ભાવનગર શહેરમાં ૪૦, ઘોઘામાં સિહોરમાં ૬૪, ગારીયાધાર માં ૧૨ ,પાલીતાણામાં ૪ અને  તળાજા માં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે શાળાઓ બંધ રહેશે. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર દ્વારા આજે બુધવારે ભાવનગર શહેરની તમામ શાળાઓ માં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં રજા રહેશે.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જિલ્લામાં અલગ અલગ સ્‍થળોએ કુલ ૪૯ લોકોને રેસ્‍કયુ કરવામાં આવ્‍યા હતા.

જિલ્લામાં ડિઝાસ્‍ટર ટીમ, તાલુકા વહીવટીતંત્ર મહાનગરપાલીકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ફાયર ટીમ સતત ખડેપગે રહીને ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

જેમાં ઉમરાળાના ગોલરામા માંથી  ૨૦ લોકોને નગરપાલિકા તળાજા ફાયરની ટીમ, વલ્લભીપુરના ચમારડી માંથી ૧૪ તેમજ વલ્લભીપુર શહેરમાંથી ૨ અને સિહોરના ડંભાળીયા-પાલડી રોડ પાસે ફસાયેલ ૯ અને મંગરાળામાંથી ૪ લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ૨ ટીમ દ્વારા રેસ્‍કયુ કરીને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત રાત્રીના સમયે શિહોરમાં પાલડી ડંભાળિયા રોડ પર ૪૯ લોકો ભારે વરસાદથી અસરગ્રસ્‍ત થયા હતા જેમાંથી ૪૦ લોકો પોતાની રીતે સલામત સ્‍થળે આવી ગયા હતા જ્‍યારે ૯ લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ટીમ તેમજ એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા રેસ્‍કયુ કરવામાં આવ્‍યા હતા.(૬.૮)

(10:51 AM IST)