<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

એક થી સાડા ત્રણ ઈંચ વરસાદ સાથે કચ્‍છમાં સાર્વત્રિક મેઘ મહેર

કયાંક ભારે પવન તો કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી, સરકાર દ્વારા જિલ્લા કલેક્‍ટરો સાથે તાકીદની બેઠક વચ્‍ચે ભુજના જિલ્લા કંટ્રોલ રૂમમાં માહિતીનો અભાવ, શહેરોમાં પોલ પાધરી ઠેર ઠેર ભરાયા પાણી, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળી ગુલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮: ભારે ઉકળાટ બાદ કચ્‍છ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને સમગ્ર જિલ્લામાં મેઘ મહેર સાથે સાર્વત્રિક ચોમાસાનો પ્રારંભ વરતાયો હતો. જોકે, ભારે વરસાદની ચેતવણી અનુસાર કયાંક જોરદાર પવન  સાથે તો કયાંક ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડ્‍યો હતો.

પ્રિ મોન્‍સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરી વિસ્‍તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ગ્રામીણ વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. એક બાજુ રાજ્‍ય સરકાર દ્વારા વરસાદને ધ્‍યાને લઈ જિલ્લા કલેક્‍ટરો સાથે વીડિયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી તો બીજી બાજુ જિલ્લા મથક  ભુજમાં કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદ વચ્‍ચે જિલ્લા કલેક્‍ટર કચેરીમાં વરસાદના સાચા આંકડા જ ઉપલબ્‍ધ નહોતા. પત્રકારોએ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું ધ્‍યાન દોર્યા બાદ ૪ મીમી (પા ઇંચ) વરસાદ દોઢ ઇંચ અને છેલ્લે પોણા બે ઈચ થયો હતો. ભારે વરસાદની ચેતવણી અને સરકારની પણ તકેદારીની સૂચના બાદ જિલ્લા કંટ્રોલ રૂમમાં સંકલન સાધી શકે એવા અનુભવી કર્મચારીઓને ફરજ સોંપવી જોઈએ. ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કુદરતી આપત્તિઓનો વારંવાર અનુભવ કરતા કચ્‍છ જેવા જિલ્લા માટે ખૂબ જ મહત્‍વનું છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા ગત રાત્રે ૧૦ વાગ્‍યા સુધી અપાયેલ આંકડા અનુસાર સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં સાડા ત્રણ ઇંચ, નખત્રાણા ૩ ઇંચ, અંજારમાં અઢી ઇંચ, ભુજ, અબડાસા, ભચાઉ, રાપરમાં બે ઇંચ અને મુન્‍દ્રા, માંડવીમાં એક એક ઇંચ વરસાદ સાથે દસે દસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્‍યો હતો.

(10:51 AM IST)