<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મોરબીમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી : શહેર પાણી પાણી : ક્યાંક દુકાનો તો ક્યાંક ઘરોમાં ઘુસ્યા પાણી : લાતી પ્લોટની દુર્દશા : રસ્તાઓ પર વાહનો ફસાયા!

ડેપ્યુટી કમિશનરે લાતી પ્લોટમાં મેટલ નાખવા અને ભરાયેલા પાણીના નિકાલ માટે ડીવોટરિંગ કરવાની ખાતરી આપી : શનાળા રોડ, પંચાસર રોડ, લાલપર, મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર

મોરબી : ચોમાસાના પ્રથમ રાઉન્ડના વરસાદમાં જ મોરબી શહેર તરબોળ બની ગયું છે. અનરાધાર મેઘસવારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. ક્યાંક દુકાનોમાં પાણી ઘુસી ગયા છે તો ક્યાંક ઘરોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
મોરબીમાં ગત રાત્રીથી શરૂ થયેલી મેઘસવારી ક્યારેક ધીમી તો ક્યારેક અનરાધાર સ્વરૂપે હજુ પણ યથાવત છે. જેને પગલે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે લાતી પ્લોટ, શનાળા રોડ, શનાળા બાયપાસ, પંચાસર રોડ, લાલપર, મહેન્દ્રનગર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેન્દ્રનગર ચોકડી પાસે તો અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયાના અહેવાલ છે, જ્યારે લાતી પ્લોટમાં પણ અનેક કારખાનાઓમાં પાણી ઘુસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં તો એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને ટ્રેક્ટર દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાવાના કારણે વાહનો ખોટવાયાના અનેક બનાવો સામે આવ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
લાતી પ્લોટની દુર્દશા: મહાપાલિકા દ્વારા મેટલ નખાશે
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના લાતી પ્લોટ વિસ્તારની હાલત એક જ વરસાદમાં અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તાઓ ઉપર ચાલી પણ ન શકાય તેવી રીતે જમીન પોલી થઈ ગઈ છે. આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મહાપાલિકા દ્વારા લાતી પ્લોટના શેરી નં. 2, 3, 4 અને 7માં મેટલ અને ભૂકી નાખવાનું કામ હાથ ધરવામાં આવશે, જેથી રસ્તાઓની હાલાકી દૂર કરી શકાય.
વધુમાં ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી કે, મહાપાલિકા દ્વારા જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં ડીવોટરિંગ (de-watering) કરી પાણીનો નિકાલ કરવાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. જોકે, પ્રથમ વરસાદમાં જ આટલા મોટા પાયે પાણી ભરાવાની ઘટનાએ વહીવટી તંત્રની ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને પાણી નિકાલની વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. નાગરિકોને આગામી વરસાદમાં આવી જ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે નક્કર આયોજન કરવાની માંગ ઉઠી છે.

 

(10:16 PM IST)