<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

શેર બજારનું ટ્રેડિંગ શીખવવાના બહાને એપ્લિકેશન બનાવી ગેરકાયદે ટ્રેડિંગ કરનાર બે જણ ઝડપાયા

કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ભુજમાંથી ઝડપેલા બે આરોપીઓ રિમાન્ડ ઉપર , કચ્છ, ગુજરાત અને દુબઈ સુધી ગેરકાયદે શેર ટ્રેડિંગના તાર?

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ્ : કચ્છ બોર્ડર રેન્જના સાયબર સેલે બાતમીના આધારે દરોડો પાડી શેર બજારની ગેર કાયદે એપ્લિકેશન ઉપર ચાલતું ટ્રેડીંગનું સ્કેન્ડલ ઝડપી પાડ્યું છે. પોલીસને માહિતી મળી હતી કે, ભુજના નરનારાયણ નગરની બાજુમાં આવેલા સરદાર પટેલ નગરના મકાન નંબર ૨૦/૨૧ માં શેર બજારની એપ્લિકેશન બનાવીને મોટા પાયે ટ્રેડિગ કરવામાં આવી રહ્યું છે. લોકોને શેર બજારની સમજણ પડે અને તેમને શીખવાડવાના આશયથી એપ્લિકેશન બનાવીને સરદાર પટેલ નગરમાં રહેતા વિષ્ણુ રાજેશ ચૌહાણ તેમજ ભુજના એસટી વર્કશોપની પાછળ આવેલા કૈલાશનગરના મકાન નંબર ૯૭૬ માં રહેતા નિપુણ કિશોર ઠક્કર દ્વારા આ ગેરકાયદે કામગીરી કરવામાં આવી રહી છે.

કચ્છ બોર્ડર રેન્જના આઇજી ચિરાગ કોરડીયાને બાતમી મળી હતી કે, એજ્યુકેશન આશયથી તૈયાર કરવામાં આવેલા એપથી દુબઇ સુધી શેર બજારનું ટ્રેડિંગ ચાલી રહ્યું છે. આથી તેમણે તરત જ તેમના સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.બોડાણા, કે.એમ.રાઠોડ તેમજ પીએસઆઈ વી.વી.ડોબરીયા સહિતના સ્ટાફને સૂચના આપીને કાયદેસર કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. સાયબર સેલના એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ જાડેજા, વિજય ડાંગર, મનોજ મંગરીયા તેમજ અનિરુદ્ધસિંહ જાડેજાની ટીમ દ્વારા ઘટના સ્થળે દરોડો પાડીને લેપટોપ મોબાઈલ સહીત કુલ ૧.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરીને આ બંને જણની ધરપકડ કરી હતી.
ઓનલાઇન છેતરપિંડી તેમજ ગેરકાયદે ધંધા કરવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલી રહી છે તેવામાં બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઓનલાઇન આ પ્રકારે એપ બનાવીને ગેરકાયદેસર શેર બજારનું ટ્રેડિંગ કરવાની પ્રવૃત્તિ અમદાવાદ મુંબઈ જેવા મોટા શહેરોમાંથી નાના શહેરો સુધી ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ એક આઈડી ઉપર ઓછામાં ઓછા વીસથી પચીસ ગ્રાહકો આ એપ દ્વારા શેર બજારનું ટ્રેડિંગ કરતા હોવાનું બહાર આવ્યું છે. બે દિવસના રિમાન્ડમાં આ અંગે વધુ ખુલાસા સાથે કડાકા ભડાકા થાય એવું દેખાઈ રહ્યું છે.


 

(9:25 PM IST)