તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
અગાઉ મોતને મહાત આપનાર દેરડી કુંભાજીના યુવકે અમદાવાદ
પ્લેન દુર્ઘટનામાં પલવારમાં ફરી મોતને મહાત આપી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૭ : ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામના અને હાલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાન માટે કુદરતની કળપા બે વખત વરદાનરૂપ સાબિત થઈ છે.
એક વર્ષના ટૂંકાગાળામાં બે ભયાનક અકસ્માતોનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક તરફ ગત વર્ષે અકસ્માત માં પોતાના પરિવારના છ સભ્યોને ગુમાવ્યાનું દુઃખ છે, તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે. તાજેતરની ઘટના અંગે વાત કરતા વેદે જણાવ્યું કે, ૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ અને કાટમાળમાં અદૃશ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું. અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યો, પણ તે યોગ્ય ન લાગ્યું.ઙ્ખજોરદાર બ્લાસ્ટ સાથે બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય થઈ ગયું અને અમે સીડી તરફ ભાગ્યા, જ્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ કાટમાળ એટલો ભારે હતો કે, અમારાથી કંઈ થઈ શકયું નહીં. પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા હતા.
આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી. સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલા પરિવારને ફોન કરીને હું સુરક્ષિત હોવાની જાણ કરી હતી.
બરાબર એક વર્ષ પહેલા તા. ૪ જૂન ૨૦૨૪ના રોજ વેદના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.વેદને નીટ (NEET) પરીક્ષામાં ૬૯૧ જેવા સારા માર્ક્સ આવતા સમગ્ર પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે, સામખિયાળી પાસે લાકડીયા ગામ નજીક નેશનલ હાઈવે પર તેમની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં વેદના મમ્મી-પપ્પા, ૧૩ વર્ષનો નાનો ભાઈ, ફઈ, પપ્પાના ફઈ અને ડ્રાઇવર સહિત કુલ છ લોકોના કરૂણ મોત થયા હતા. તે અકસ્માતમાં વેદ, તેની બહેન અને તેના ફઈનો દીકરો બચી ગયા હતા. બે બે વખત મોતનું તાંડવ નજરે જોનાર વેદની બંને દુર્ઘટનામાં એક અજીબ સંયોગ જોવા મળ્યો ગત વર્ષે ૪ જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ ૧૩ જૂન, ૨૦૨૪ના રોજ ઘરે પાછો ફર્યો હતો. આ વર્ષે પણ ૧૨ જૂને પ્લેન ક્રેશની ઘટના બની અને વેદ ૧૩ જૂન ૨૦૨૫ના રોજ સવારે પોતાના ગામ દેરડી (કુંભાજી) હેમખેમ પહોંચ્યો હતો..
બે બે અકસ્માતનો ભોગ વેદે ભાવુક થઈને જણાવ્યુ હતુ કે ગતહ વર્ષે મેં મારા સ્વજનો ગુમાવ્યા હતા અને આ વર્ષે મારી નજર સામે બીજા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની ઘટનાઓ જોઈ છે.ત્યારે ભગવાન આવું મોત કોઈને ન આપે. હું આ બંને ભયંકર દુર્ઘટનામાં વડીલોના અને ભગવાનના આશીર્વાદથી જ બચી શકયો હોવાનું જણાવ્યુ હતું.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
