તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
ભાવનગર અને અમરેલીમાં જળબંબાકાર વચ્ચે તંત્રની ત્વરિત કામગીરી : તલગાજરડાની શાળાના 38 બાળકો સહિત 80 થી વધુ લોકોનો આબાદ બચાવ! : જુઓ વિડીયો
રૂપાવો નદીમાં ફસાયેલી સ્કૂલ બસના વિદ્યાર્થીઓ અને અન્ય 20 વ્યક્તિઓને સુરક્ષિત ખસેડાયા : અમરેલીના પીપાવાવ - વિકટર વચ્ચે પાણી પુરવઠા સાઇટ પરથી 22 નાગરિકોનું કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ

ભાવનગર : રાત્રિ 10:00 વાગ્યા: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રાજ્યનું તંત્ર આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દર્શાવી અનેક લોકોના જીવ બચાવી રહ્યું છે. આજે ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં 38 શાળાના બાળકો સહિત કુલ 80થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગરમાં રૂપાવો નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ: તલગાજરડામાં શાળાના બાળકો સહિત 58નો બચાવ
ભાવનગર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદને કારણે રૂપાવો નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી ગયું હતું. આ સ્થિતિમાં તલગાજરડાની મહુવા મોડેલ સ્કૂલની બસમાં સવાર 38 વિદ્યાર્થીઓ ફસાયા હતા. બસના ડ્રાઇવર શ્રી સાકીરભાઈએ સમયસૂચકતા વાપરીને બસને પાણીના વધતા સ્તરમાંથી ઝડપથી નજીકના ફાર્મહાઉસમાં આશરો આપ્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીનું સ્તર ઝડપથી વધતું જતું હતું અને જોખમ વધતું જતું હતું.
આ અંગે તાત્કાલિક જિલ્લા તંત્રને જાણ કરવામાં આવતા, ભાવનગર જિલ્લા કલેક્ટર, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), મામલતદાર અને ASI સહિતના સ્થાનિક પોલીસ અધિકારીઓ બચાવ બોટ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તંત્રની સજ્જતા એવી હતી કે, જરૂર પડે તો એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમોની મદદથી ફસાયેલા 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નજીકના અન્ય સ્થળે પાણીમાં ફસાયેલા અન્ય 20 જેટલા વ્યક્તિઓને પણ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. આમ, ભાવનગર તંત્રની સમયસરની કામગીરીથી કુલ 58 લોકોનો આબાદ બચાવ થયો હતો.
અમરેલીમાં પાણી પુરવઠા સાઇટ પર ફસાયેલા 22 નાગરિકોનો સફળ બચાવ
બીજી તરફ, અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે આવેલી પાણી પુરવઠાની એક સાઇટ પર 22 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ સાઇટ પર પહોંચવાનો કાચો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં તેઓ સંપર્કવિહોણા બની ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સચેત બન્યું હતું અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કોસ્ટ ગાર્ડ ટીમને જાણ કરવામાં આવતા, તેમની ટીમે ત્રણ બોટની મદદથી ફસાયેલા તમામ 22 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. તમામ લોકોને વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.
આમ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર, પોલીસ અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત અને ત્વરિત કામગીરીએ અનેક લોકોના જીવ બચાવ્યા છે, જે પ્રશંસનીય છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
