<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલ વાતાવરણઃ વાંકાનેર-૩, વલ્લભીપુર-તાલાલામાં દોઢ ઇંચ

આજે સતત બીજા દિવસે પણ વિસાવદર, કેશોદ પંથકમાં વરસાદઃ જુનાગઢમાં મેઘાવી માહોલ સાથે છાંટા પડયા

 

પ્રથમ તસ્‍વીરમાં જામકંડોરણા અને બીજી તસ્‍વીરમાં વાંકાનેરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : મનસુખ બાલધા(જામકંડોરણા), મહંમદ રાઠોડ (વાંકાનેર) (પ-૧૩)

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનીવારથી શરૂ થયેલ વરસાદી માહોલ સાથેનો વરસાદ આજે પણ યથાવત છે.

ગઇકાલ રાત્રીથી આજે સવાર સુધીમાં  વાંકાનેરમાં ૩ ઇંચ, ભાવનગરના વલ્લભીપુર અને ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

આજે સવારથી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. અને હળવો - ભારે વરસાદ વરસી જાય છે.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : વાંકાનેરમાં શનિવારે પોણા બે ઇંચ વરસાદ વરસ્‍યા બાદ આજે મોડી રાત્રે ત્રણેક વાગ્‍યે ગાજવીજ સાથે વધુ દોઢેક ઇંચ વરસાદ વરસી જતા આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ થવા પામ્‍યો છે.

શહેરના મારકેટ ચોક પાસે મણીકણી મંદિર પાસેનું વર્ષો જુનુ પીપળાનું તોતીંગ ઝાડ પડી જતાં આヘર્ય એ જોવા મળ્‍યુ હતું કે તોફાની પવન વરસાદ રાત્રે ફુંકાયો હતો અને વૃક્ષ છેક મોડી સવારે શાંત વાતાવરણ સમયે ધરાશાયી થયુ હતું. સવારથી બફારાનું ઝોર વધ્‍યું છે, આભ ગોરંભાયેલ છે. વરસાદ ફરી શરૂ થઇ શકે છે.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા :.. જામકંડોરણામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે શનિવારે સાંજે ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ ગઇકાલે સાંજે ઝરમર વરસાદ વરસ્‍યો હતો. હજુ પણ વરસાદી માહોલ છવાયેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલા દિવસથી ગરમી બાદ ગઈકાલે મોડી સાંજે મેઘરાજાનું  આગમન થતા લોકોમાં આનંદ ની લાગણી ફેલાઈ હતી. મહત્તમ તાપમાન માં  ચાર ડિગ્રી ની ઘટાડો હતા અને વરસાદ આવતા લોકોને ગરમી માંથી છુટકારો મળ્‍યો હતો.

ગરમી અને બફારાથી કંટાળેલા ભાવનગરવાસીઓ  એ આજે મોડી સાંજે મેઘરાજાનું આગમન થતા રાહતની લાગણી અનુભવી હતી. સાંજે ૭ વાગે ગાજવીજ સાથે  વરસાદ શરૂ થયો હતો. બાળકોને યુવાનો વરસાદમાં નાહવા નીકળી પડ્‍યા હતા. શહેરમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો.

ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં પણ  ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્‍યો હતો. વલભીપુરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે ગોગામાં એક જેટલો વરસાદ પડ્‍યો છે. હજુ પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ હોય રાત્રે વરસાદ પડવાની સંભાવના છે.

ભાવનગર જિલ્લા ના વલભીપુરમાં ૩૬ મી.મી. ભાવનગર શહેરમાં ૧૪ મી.મી., ઘોઘા માં ૨૦ મી.મી., શિહોરમાં ૩.૫ મી.મી. અને પાલીતાણામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે સોમવારે પણ સવારે ભાવનગર શહેરમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત હોય વરસાદ પડવાની સંભાવના છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી મેઘાવી માહોલ રહ્યો છે જેના પગલે વિસાવદર અને કેશોદ વિસ્‍તારમાં સવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્‍યા હતા.

ચોમાસાના સત્તાવાર પ્રારંભ સાથે ગઈકાલે જુનાગઢ જિલ્લામાં બપોર બાદ મેઘસવારી આવી પહોંચી હતી. અસહ્ય ઉકળાટ અને બફારો વચ્‍ચે  મેઘરાજાએ પધરામણી કરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રવિવાર બપોરે પછી ૪ તાલુકામાં મેઘરાજાએ લોકોને ભીંજવ્‍યા હતા. સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના વંથલી જુનાગઢ મેંદરડા અને વિસાવદર તાલુકામાં કુલ ૧૨૨ મીમી વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ શહેરના આસપાસના વિસ્‍તારોમાં બપોર પછી મેઘરાજા એન્‍ટ્રી કરતા લોકોમાં ખુશી વ્‍યાપી ગઈ હતી. વરસાદ શરૂ થતાની સાથે લોકો પલળવા માટે નીકળી ગયા હતા. શહેરમાં રવિવારના વરસાદથી કેટલાક વિસ્‍તારોના લોકોને મુશ્‍કેલીમાં વધારો થયો ગટર સહિતના કામ માટે રસ્‍તાઓ પર  ખોદકામ કરવામાં આવ્‍યું હોવાથી કેટલીક જગ્‍યાએ કેનાલની માફક પાણી વહેતું જોવા મળ્‍યું હતું. જ્‍યાં હજુ રસ્‍તા પર ખોદકામ ચાલુ છે એવા માર્ગો પર લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો દરમિયાન આજે સવાર સુધીમાં જુનાગઢ ખાતે ૨૩ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું.

આજે સવારે પણ હળવા વરસાદના ઝાપટા વરસ્‍યા હતા. સવારથી વરસાદી માહોલ અને ઉકળાટ થઈ રહ્યો હોવાથી આજે પણ મેઘરાજા કળપા વરસાવે તેવી શકયતા જોવા ઈ રહી છે.

વિસાવદર પંથકમાં ૨૪ કલાક દરમિયાન ૩૦ મીમી વરસાદ નોંધાયા બાદ આજે પણ સવારે મેઘા એ પધરામણી કરી હતી અને સવારના ૬ થી ૮ના બે કલાક દરમિયાન વિસાવદરમાં વધુ ત્રણ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું.

વિસાવદરની સાથે સાથે સવારે કેશોદ પંથકમાં પણ મેઘરાજાએ એન્‍ટ્રી કરી હતી. સવારના પ્રારંભિક ૩ કલાકમાં ૪ મીમી વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં નોંધપાત્ર વરસાદના સમાચાર નથી પરંતુ વરસાદી વાતાવરણ હોવાથી સાંજ સુધીમાં મેઘરાજા લોકો અને ધરતી માતાને તરબોળ કરે તેવી શકયતા જોવાઈ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૮.૫, મહતમ તાપમાન ૩૬.૫, ભેજનું પ્રમાણ ૮૯ %, પવનની ગતિ ૯.૫ કિ.મી. રહી છે. ધુનડા, પરડવા, જામવાડીમાં ઝાપટા પડયા છે.

સાવરકુંડલા

(દીપક પાંધી દ્વારા)   સાવરકુંડલાઃ સાવરકુંડલા શહેર અને પંથકમાં ગઈકાલે રવિવારે સાંજે ૬ વાગ્‍યે ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો જે શહેરમાં ધીમી ધારે પડતો હતો તો ગ્રામ્‍ય વિસ્‍તારમાં સારો એવો પડી ગયો હતો રાતભર પણ ધીમા ધીમા ઝાપટા પડ્‍યા હતા. આજે વહેલી સવારથી પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે આમ નિયત સમયપત્રક ૧૫ જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું છે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સતત બે માસથી ગરમીમાં શેકાતા, અકળાતા લોકો ને ગરમી થી રાહત મળી છે મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં સિઝનનો પ્રથમ વરસાદ ૧૭ એમએમ નોંધાયો છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયાઃ અહીં વિંછીયામાં ગઇકાલે સાંજે ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો. તેમજ આજ સવારથી કાળા ડીંબાગ અંધારા સાથે ધીમી ધારે વરસાદ વરસી રહયો છે. તાલુકા પંથકમાં સવારથી વરસાદ શરૂ થવાના સમાચાર પ્રાપ્‍ત થઇ રહયા છે. આ વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે.(૨.૧૦)

(11:25 AM IST)