તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણી અને પ્લેન દુર્ઘટનાના મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ : જુઓ વિડીયો
ગાંધીનગર ખાતે સ્વ. વિજયભાઈના પરિવારને મળીને આપી સાંત્વના : જામનગર માટે પૂર્વ મુખ્યમંત્રીના ₹૧૫૬ કરોડના ફ્લાયઓવર, ₹૪૦૦ કરોડની હોસ્પિટલ અને રિંગ રોડના કાર્યોને યાદ કર્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) : સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન અને અમદાવાદ પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ગાંધીનગર ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને જઈને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમના પત્ની અંજલીબેન, પુત્ર ઋષભ અને પુત્રી રાધિકાને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી અને પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા.
જામનગર માટે વિજયભાઈના મહત્ત્વપૂર્ણ કાર્યોનું સ્મરણ:
આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાથે કામ કરવાનો જે સમય મળ્યો, તેની યાદો તાજી થઈ. તેમણે ખાસ કરીને કોરોનાકાળમાં જી.જી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાયની સતત જાળવણી રાખવામાં વિજયભાઈએ આપેલી મદદને યાદ કરી હતી.
જામનગર શહેર માટે વિજયભાઈ રૂપાણીના મહત્ત્વના યોગદાનોને યાદ કરતા હકુભાએ જણાવ્યું કે, રૂ. ૧૫૬ કરોડના ખર્ચે ફ્લાયઓવરની મંજૂરી હોય કે પછી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે રૂ. ૪૦૦ કરોડની ફાળવણી હોય, આ તમામ કાર્યો વિજયભાઈના નેતૃત્વમાં જ શક્ય બન્યા હતા. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાના ફરતે રિંગ રોડને પણ વિજયભાઈએ મંજૂર કર્યો હતો, જે જામનગરવાસીઓ કદી ભૂલી નહીં શકે.
નિડર આગેવાનની ખોટ:
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્વ. વિજયભાઈને મુખ્યમંત્રી તરીકે અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સેવા અને સંગઠનમાં અનેક ઉત્તમ કાર્યો કરનાર નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, "જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતે એક કદી ન ભૂલી શકાય તેવા નિડર અને સમર્પિત આગેવાનની ખોટ પડી છે."
અંતમાં, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સ્વ. વિજયભાઈ રૂપાણી સાથે પ્લેન અકસ્માતમાં અને હોસ્ટેલમાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને ભગવાન પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
