તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
જામનગરમાં ખાખી પર કલંક : 'લાંચિયા' PSI સહિત ૩ પોલીસકર્મી ₹૧ લાખ સાથે ACBના સકંજામાં!
ઉદ્યોગનગર પોલીસ ચોકીનો રાયટર, PSI અને SOG કોન્સ્ટેબલ ભ્રષ્ટાચારના છટકામાં : એક આરોપી રંગેહાથ ઝડપાયો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) એ જામનગરમાં પોલીસ બેડાને હચમચાવી નાખે તેવી મોટી કાર્યવાહી કરી છે. ઉદ્યોગનગર પોલીસ ચોકી (સીટી-સી ડિવિઝન પો.સ્ટે.) ના પોલીસ કોન્સ્ટેબલ (રાયટર) ધમભાઇ બટુકભાઇ મોરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) આર.ડી. ગોહીલ અને એસ.ઓ.જી.ના અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રવિભાઇ ગોવિદભાઇ શર્મા (ઉં.વ. ૩૩) સામે ₹૧,૦૦,૦૦૦ ની લાંચ લેવાનો ગુનો દાખલ થયો છે. ACB એ ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ શહેરના સમર્પણ સર્કલ નજીક આવેલા પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ગોઠવેલા એક ફિલ્મી સ્ટાઈલના છટકામાં આ ગુનો આચરવામાં આવ્યો હતો, જેમાં લાંચની રકમ સ્વીકારનાર આરોપી રવિભાઇ શર્માને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
ચીટિંગના કેસથી લાંચખોરી સુધીનો 'વહીવટ':
આ કેસનો પાયો એક જાગૃત નાગરિકની (ફરિયાદી) ફરિયાદથી નંખાયો હતો. ફરિયાદી વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં અગાઉ ચીટિંગ અંગેની એક અરજી થઈ હતી. ભવિષ્યમાં આવી કોઈ નવી અરજી ન આવે અને તેમને હેરાનગતિ ન થાય તે માટે આરોપી રવિભાઇ શર્માએ ફરિયાદીને એક 'વહીવટ' કરી દેવા માટે આરોપી ધમભાઇ મોરી અને આર.ડી. ગોહીલને રૂબરૂ મળવાનું સૂચન કર્યું.
ફરિયાદી ધમભાઇ મોરીને મળ્યા ત્યારે ધમભાઇ મોરીએ સીધેસીધી ₹૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી, જે રવિભાઇ શર્માને આપી દેવા જણાવ્યું. આ પછી, રવિભાઇ શર્માએ ફરિયાદીને ખુદ પોલીસ ચોકીએ બોલાવી, PSI આર.ડી. ગોહીલની હાજરીમાં 'હેતુલક્ષી' વાતચીત કરી. PSI આર.ડી. ગોહીલની સહમતીથી, રવિભાઇ શર્માએ ફરીથી ₹૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી. આમ, કુલ ₹૧,૦૦,૦૦૦ ની લાંચની ડીલ પાકી થઈ.
ACBનો 'માસ્ટરસ્ટ્રોક' અને રંગેહાથ ઝડપાયો આરોપી:
લાંચિયા પોલીસકર્મીઓની આ માંગણી સામે ઝૂકવાને બદલે, ફરિયાદીએ ગુપ્ત રીતે ACB નો સંપર્ક કર્યો. ACB એ તેમની ફરિયાદના આધારે જામનગરમાં સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ પર આવેલા પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં લાંચનું છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન, આરોપી રવિભાઇ શર્માએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, અને ત્રણેય આરોપીઓ વતી ₹૧,૦૦,૦૦૦ ની લાંચની રકમ માંગી અને સ્વીકારી. લાંચની રકમ હાથમાં આવતા જ, ACB ની ટીમે રવિભાઇ શર્માને દબોચી લીધો હતો.
ACB ના અધિકારીઓએ જણાવ્યું કે, આ ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક કરી છે. રવિભાઇ શર્મા સ્થળ પરથી ઝડપાઈ ગયા છે, જ્યારે ધમભાઇ મોરી અને આર.ડી. ગોહીલ હાલ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે ACB દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળ ટ્રેપથી રાજ્યમાં ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે કડક સંદેશો પહોંચ્યો છે અને પ્રજામાં ACB ની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. (તસવીર - કિંજલ કારસરીયા, જામનગર)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
