<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપનું શક્તિપ્રદર્શન : પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના 'આપ' અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

'મોહમ્મદ ગઝનીની ઓલાદ' અને 'ભ્રષ્ટાચાર' ના આક્ષેપોનો ઇંટનો જવાબ પથ્થરથી આપવા આહ્વાન : 'ચંદ્ર-મંગળ બનાવવાની તાકાત અમારામાં છે, દીકરીઓને અહીંથી સાસરે મોકલીએ છીએ' ટિપ્પણીથી રાજકીય ગરમાવો

વિસાવદર, ૦૯ જૂન ૨૦૨૫: વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે, ત્યારે આ બેઠક જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણી પ્રચારના ભાગરૂપે, આજે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા આકરા નિવેદનો કર્યા હતા.
વિરોધી પક્ષોના આક્ષેપોનો જડબાતોડ જવાબ:
કાર્યકર્તા સંમેલનમાં બોલતા ભૂપત ભાયાણીએ વિરોધી પક્ષો દ્વારા ભાજપ પર કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, "તમે (વિરોધીઓ) જે ખોટા આક્ષેપ કરો છો અમારા પર કે, મોહમ્મદ ગઝનીની ઓલાદ, ગુંડાઓ, લુખ્ખાઓ બોલે છે. તો એની વાતનો જવાબ તમામ કાર્યકર્તાઓએ ૧૯મી જૂને મતદાનના રૂપમાં ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો છે."
ભાયાણીએ વિરોધી પાર્ટીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, વિરોધીઓ દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે, ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈપણ ઉમેદવાર આવે અને ચૂંટાય પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ પર લઈ જશે કે, ચંદ્ર પર લઈ જશે.
'અહીં જ ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત':
આ આક્ષેપોનો જવાબ આપતા ભૂપત ભાયાણીએ વધુમાં ઉમેર્યું કે, "હું એમને કહેવા માગુ છું કે, અહીંના આગેવાનો અને ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ હોય કે, કનુભાઈ ભાલાળા હોય, અમારે અમારી જનતાને ચંદ્ર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીં (ધરતી ઉપર) ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે."
તેમણે વિરોધી પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું કે, "તમે ચંદ્ર અને મંગળ પર લઈ જવાની વાત કરો છો. આ ધરતી ઉપરથી ૫૦૦-૫૦૦ દીકરીઓની વિદાય થઈ છે. એને મંગળ અને ચંદ્ર જ કહેવાય. અમારી દીકરીઓને અહીંથી સાસરે મોકલીએ છીએ."
ભાયાણીના આ આક્રમક વલણ અને અનોખી સરખામણીએ વિસાવદરની રાજકીય ચર્ચામાં નવો પ્રાણ ફૂંક્યો છે, અને આગામી ૧૯મી જૂનના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

 

(4:54 PM IST)