<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

નિષ્‍કામભાવથી સેવા કરો તો પરમાત્‍માનો ભેટો થાયઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા

હરીદ્વારમાં મેંદરડાનાં પૂ. સુખરામદાસબાપુની આગેવાનીમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત સત્‍પાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેતા ભાવિકો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯: હરિદ્વારમાં ડો. મહાદેવપ્રસાદ મહેતાનાં વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત કથાનાં ત્રીજા દિવસે આમંત્રણ અને નિમંત્રણનો હેતુ સમજાવ્‍યો હતો.

હિમાલ્‍ય પુત્રી માતા પાર્વતીને ભગવાન શંકરે કહયું ગંગા તટે પિતા દક્ષ મહાયજ્ઞ કરી રહયા છે ત્‍યારે નિમંત્રણ વિના જવું જોઇએ નહીં. માતાએ સોળ શણગાર ધજી ૮૦ હજાર જેટલા શિવગણને લઇ ગંગા તટે પહોંચે છે જયાં પતિનાં અહંકાર સાથે પિતાનાં ઘરે આવી પહોંચેલ મા પાર્વતીને કોઇ આવકાર આપતા નથી જેથી ક્રોધે ભરાયેલા માતાએ યજ્ઞકુંડના અગ્નિમાં ઝંપલાવી ભડ ભડ સળગી જતા સમગ્ર પૃથ્‍વી હચમચી ગઇ હતી?

ડો. મહાદેવપ્રસાદે વિસ્‍તૃત સમજાવતા કહયું કે, લગ્ન જેવા પ્રસંગો હોય ત્‍યારે નિમંત્રણ આપવામાં આવતું હોય જયારે કોઇ જાહેર પ્રસંગ હોય ત્‍યારે આમંત્રણ આપવામાં આવતું હોય.? આમંત્રણ-નિમંત્રણ ન હોય ત્‍યારે સગા બાપનાં ઘરે પણ દીકરીએ પતિની આજ્ઞા ઉવેખી જવું જોઇએ નહીં. અલ્લત મહાદેવ અંતઃધ્‍યાનમાં આ દ્રશ્‍ય જોઇ પાર્વતીજીને નહી જવા સલાહ આપી પણ આખરે અંત દુઃખદ આવતા મહાદેવ ક્રોધિત થઇ સમગ્ર સૃષ્‍ટિને બાળી નાખવા આગળ વધતા દેવલોક ધ્રુજી ઉઠયું હતું. ભાગવતનાં ૪ થા સ્‍કંધની કથા સાંભળી ભાવિકો ભાવ વિભોર બન્‍યા હતાં.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૬.૭)

ઇશ્વરનો રાજીપો જોઇતો હોય તો માતા-પિતાની સેવા કરોઃ ભાવનાબેન રંગાણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૯: હરિદ્વારમાં ગંગા તટે ભાગવત કથા શ્રવણ માટે પધારેલ મુખ્‍ય દાતા ભોવાનભાઇ રંગાણી, ભાવનાબેન રંગાણી અને તેમનાં પુત્ર હાર્દિક અને ધ્રુવીબેનનું વકતા ડો. મહાદેવપ્રસાદનાં વરદ હસ્‍તે સન્‍માન થયું હતું.

સુખરામદાસબાપુનાં આશિર્વાદ મેળવી ભાવનાબેન પોતાનાં વકતવ્‍યમાં ભાવ વિભોર બની થઇ કહયું કે, ઇશ્વરનો રાજીપો જોઇતો હોય તો માતા-પિતાની સેવા કરો. ઉદાહરણ આપતા એક મેજીસ્‍ટ્રેટની સત્‍ય કહાની કહેતા તેમણે કહયું કે, જજ તેની માતાને વૃધ્‍ધાશ્રમમાં મુકવા ગયા ! પત્‍ની અને પુત્ર સાથ નહીં આપતા આ પગલુ ભર્યુ હતું. વૃધ્‍ધાશ્રમના મેનેજરે કહયું સાહેબ, તમારી માને અન્‍યાય કરો છો ત્‍યારે ઘરે આવી એક રૂમ બંધ કરી ચિંતન કર્યા પછી બે ચિઠ્ઠી લખી જેમાં પત્‍નીની ચિઠ્ઠીમાં છુટાછેડા આપવાનું અને પુત્રની ચિઠ્ઠીમાં તમામ સંપતિ લખી પોતે તેમનાં માતા સાથે વૃધ્‍ધાશ્રમમાં રહેવા જતા હોવાનું જણાવ્‍યું ! જજની પત્‍ની-પુત્રને તેની ભૂલ સમજાઇ સાસુને ઘરે લાવે છે. ભાગવત કથામાં આપણે સુખી થવા સાંભળવા અહીં હરિદ્વાર આવીએ છીએ પણ વાસ્‍તવિક જીવનમાં રાગ દ્વેષ અહંકાર, અભિમાન છોડી શકતા નથી તેમ ખેદ સાથે જણાવી ભાવનાબેન રંગાણીએ કહયું સદ્‌કર્મ જ આપણી સાથે આવશે.

હર્ષાબેન ભરાડે પણ ભાવવાહી વાણીમાં સુખરામદાસબાપુનાં સાધુપણાનાં ત્રણ ઉદાહરણો આપી કહયું કે, સદ્‌ગુરૂને મળ્‍યા પછી ભગવાનને મળવાની ઇચ્‍છા નથી. વચનસિધ્‍ધ સંત એવા સુખરામદાસબાપુની નિર્મળતા, સહજતા સૌનું કલ્‍યાણ થાય એવી છે તેમ જણાવી અન્નપુર્ણા ધામ માટે દાનની સરવાણી વહાવવા અપીલ કરી હતી.

(11:17 AM IST)