તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ : જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા અધિકારીઓને તાકીદ
જામનગરમાંથી રાજ્યભરના જિલ્લાઓની ફરિયાદ સહ-સંકલન સમિતિમાં મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીનો પ્રારંભ : જળસંચય, વૃક્ષારોપણ અને સ્વચ્છતા પર વિશેષ ભાર

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 7 જૂન: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે જામનગર જિલ્લાની ફરિયાદ સહ-સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે સરકારી અધિકારીઓને જનપ્રતિનિધિઓની રજૂઆતો ગંભીરતાથી સાંભળવા અને તેમના ફોન કોલ્સ અચૂક attend કરવા તાકીદ કરી હતી.
જનપ્રતિનિધિઓ પ્રશાસન અને પ્રજા વચ્ચેની સેતુસમાન:
જામનગરથી શરૂ થયેલી રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ-સંકલન સમિતિમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિની કાર્યપ્રણાલી અંતર્ગત, ભુપેન્દ્રભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસન અને પ્રજા વચ્ચેની જોડતી કડી અને સેતુ એટલે પ્રજાએ ચૂંટેલા લોકપ્રતિનિધિઓ. તેમના સૂચવેલા કામોનો યોગ્ય પ્રતિસાદ આપવો એ તમામ અધિકારીઓની નમ્ર ફરજ છે.
જળસંચય, વૃક્ષારોપણ અને સ્વચ્છતા પર ભાર:
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે અમલી બનાવેલી કેચ ધ રેઈન યોજના અંતર્ગત તમામ સરકારી કચેરીઓમાં વોટર રેઈન હાર્વેસ્ટિંગ દ્વારા જળસંગ્રહ કરવા, વૃક્ષારોપણ કરવા અને સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સરકારી કામોમાં ગુણવત્તા જાળવવા માટે ઉપસ્થિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને ટકોર કરી હતી. જનતાના કામોને પ્રથમ પ્રાથમિકતા આપવા માટે પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને અપીલ કરી હતી અને જામનગર જિલ્લાની વહીવટી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ફરિયાદ નિવારણમાં સંતોષકારક પ્રગતિ:
આ બેઠકમાં જામનગર જિલ્લાની વિગતો અને સંકલન તથા ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા પ્રશ્નો અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કલેકટર કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી મે-2025 દરમિયાન ફરિયાદ સમિતિ સમક્ષ કુલ 85 પ્રશ્નો રજૂ થયા હતા, જે પૈકી 78 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો છે. ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2025 દરમિયાન મુખ્યમંત્રીની કચેરીના ફોલોઅપથી ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા 299 પૈકીના 64 પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા વિધેયાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમામ પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએથી નિરાકરણ કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્રની વિવિધ કામગીરીની રજૂઆત:
કલેકટરે ઓપરેશન સિંદુર, ઓપરેશન શીલ્ડ અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જામનગર શહેર તથા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મોકડ્રીલ, બ્લેક આઉટ, સાયરન તથા સિવિલ ડિફેન્સની તાલીમ વગેરેની કામગીરીથી મુખ્યમંત્રીને અવગત કર્યા હતા. રિસર્વે, લેન્ડ રેકર્ડ, પ્રમોલગેશન અંગેની વાંધા અરજીઓ વગેરેની યુદ્ધના ધોરણે કરાયેલી પેન્ડન્સી નિકાલની કામગીરીની સવિસ્તાર વિગતો પણ કલેકટરે મુખ્યમંત્રીને વર્ણવી હતી. આ ઉપરાંત, NFSA રેશનકાર્ડની E KYC કામગીરી, કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવાની વહીવટી તંત્રની સજ્જતા, સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી, સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન 2.0, મનરેગા, પ્રવાસન, વહીવટી સુધારણા વગેરેની વિગતોથી પણ કલેકટર ઠક્કરે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાભરમાં થઈ રહેલી વિવિધ કામગીરી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.
આ બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર તથા સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
