<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર રાજપીપળાના નમિતાબેન મકવાણાને શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા:વિશ્વ પર્યાવરણ દિવસ -૨૦૨૫ ની ઊજવણી અંતર્ગત ગુજરાત સરકારનાં આરોગ્ય મંત્રી (કેબિનેટ ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સ્વામિ શ્રી ભગવતપ્રિયદાસજી મહારાજ, લક્ષ્મણજી ઠાકોર - ધારાસભ્ય કલોલ, એહમદ પઠાણ - પ્રમુખ ગ્રીન પ્લેનેટ, જીતુભાઈ તિરુપતિ - ગ્રીન એમ્બેસેડર, પ્રો. રાજેશ પટેલ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક, વડનગરપુરા - કલોલ ખાતે પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર રાજપીપળા ના નમિતાબેન મકવાણાને વિશ્વ પર્યાવરણ દિવસ પર "શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ- 2025 "થી સન્માનિત કરાયા હતા. સમગ્ર રાજ્યમાંથી ૧૫૦ જેટલા પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યો કરતાં શિક્ષકોએ આ એવોર્ડ માટે પોતાની ભાગીદારી નોંધાવી હતી. ગ્રીન પ્લેનેટની પસંદગી સમિતિ દ્વારા વિવિધ માનાંક સાથે પસંદ કરી આ એવોર્ડ માટેની યાદી તૈયાર કરી હતી. જેમાં નર્મદા જિલ્લામાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ નમિતાબેન મકવાણાને શિલ્ડ, સન્માનપત્ર અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ નમિતાબેનને શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યો કરવા બદલ પૂ. મોરારિબાપુનાં હસ્તે ચિત્રકૂટ એવોર્ડ, રાજ્યપાલશ્રીનાં હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સિસ્ટર નિવેદિતા રાજકોટ દ્વારા ગુજરાતનાં એક માત્ર (પ્રાથમિક વિભાગમાંથી) પસંદગી પામી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ગોવા ખાતે  "શિક્ષક ભૂષણ" શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,  "નર્મદા રત્ન" એવોર્ડ, ડો. અબ્દુલ કલામ એવોર્ડ, "માનવ બ્રેવરી"  એવોર્ડ. આવા અનેક પ્રકારના અસંખ્ય એવોર્ડ્સ, પ્રશસ્તિપત્ર એનાયત થયા છે. તો સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા નમિતાબેનને સૌએ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:30 AM IST)