તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th June 2025
પ્રાકૃતિક કૃષિ અને લીમડો : અનેક રીતે ગુણકારી લીમડો પ્રાકૃતિક કૃષિ માટે પણ કલ્પવૃક્ષ : જમીનની ફળદ્રુપતા સુધારતો અને જમીનમાં ક્ષારત્વ ઘટાડતો સ્વાદે કડવો “લીમડો” પર્યાવરણનો ઉત્તમ રક્ષક : પર્યાવરણનો ઉત્તમ સંરક્ષક લીમડો ધરાવે છે એક આગવી ઓળખ “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી”
યુનાઇટેડ નેશન્સ દ્વારા “લીમડા”ને એકવીસમી સદીના ‘વૃક્ષ’ તરીકેની ઓળખ મળી : પ્રાકૃતિક કૃષિમાં કાર્બનિક ખાતર, ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા, જમીન સુધારક તરીકે “લીમડા”નો અસરકારક ઉપયોગ : નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપતા લીમડાનો પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ વધવાની સંભાવના

અમરેલી, તા.૦૫ ; ભારતમાં “લીમડા”ના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાક રક્ષક દવાઓ તથા ખાતર આપનાર કડવો “લીમડો” પર્યાવરણનો ઉત્તમ સંરક્ષક તરીકે ઉપયોગી છે. “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી” તરીકે “લીમડો” એક આગવી ઓળખ ધરાવે છે.
“લીમડા”ના તેલમાં એઝાડિરેક્ટિન,નીમ્બિન, નીમ્બિડિન, સેલેનિન, મેલિઓન્ટ્રીઓલ જેવા ૧૦૦ થી વધુ સક્રિય ઘટકો છે, જે પ્રાકૃતિક કૃષિમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઇયળો જેવા ૨૦૦ કરતા વધુ નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપે છે. “લીમડા”ની છાલ, બીજ, પાંદડા અનેક સંયોજન ધરાવે છે જે એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ,એન્ટિપ્રાયરેટિક્સ, બળતરા વિરોધી અને એન્ટિફંગલ સાબિત થાય છે.
“લીમડા”ના વિવિધ ઉપયોગો અને પર્યાવરણ રક્ષણમાં તેના મહત્વપૂર્ણ યોગદાનના કારણે યુનાઇટેડ નેશન્સ દ્વારા “લીમડા”ને એકવીસમી સદીના વૃક્ષ તરીકેની ઓળખ મળી છે.
જી.એન.એફ.સી. દ્વારા વર્ષ-૨૦૧૫માં બહુઆયામી ‘નીમ પ્રોજેક્ટ’ શરુ કરવામાં આવ્યો હતો. “લીમડા”ની લીંબોળીમાંથી મળતા ઓઈલ (તેલ) દ્વારા નર્મદા યુરિયાને નીમ કોટિંગ કરવામાં આવે છે. લીમડાના દાણા (લીંબોળી)ને તેલ માટે કચડી નાખ્યા પછી જે વધે છે તેને લીમડાની કેક અથવા લીંબોળીનો ખોળ કહે છે.
લીંબોળીનો ખોળ (નીમ કેક) નો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે કરી શકાય છે. કારણ કે તેનાથી છોડના વિકાસમાં મદદ મળે છે, તેમાં છોડના વિકાસને મદદ કરતા તમામ પોષક તત્વો સામેલ છે તે બાયો-ડિગ્રેડેબલ છે ઉપરાંત વિવિધ પ્રકારના ખાતર સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.
લીંબોળીનો ખોળ (નીમ કેક)નો ઉપયોગ જમીન સુધારક તરીકે પણ કરવામાં આવે છે. તે જમીનમાં કાર્બનિક દ્રવ્યોની સામગ્રીને સુધારે છે. જમીનની રચના, જમીનની પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે. જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે. જમીનમાં ક્ષારત્વ ઘટાડે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉપદ્રવી જીવાતનું નિયંત્રણ મહત્વનું છે. “લીમડા”માં ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા છે. એઝાડિરેક્ટિન જંતુઓને નિયંત્રિત કરવા માટે ‘લીમડા”ના મુખ્ય એજન્ટ તરીકેની ઓળખ ધરાવે છે તે કેટલાક જંતુઓને છોડને સ્પર્શતા પણ અટકાવે છે. “લીમડા” ની કેકનો જમીનમાં ઉપયોગ વાવણી પહેલા કરવાથી નેમેટોડ્સ અને સફેદ મુંડના ઉપદ્રવને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.
પ્રાકૃતિક કૃષિ આજના સમયની મુખ્ય માંગ પૈકીની એક માંગ છે. પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને હવે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે, ત્યારે આવનારા સયમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં “લીમડા”નો ઉપયોગ વધવાની સંભાવના વધારે છે.
( આલેખન : ધર્મેશ એન. વાળા માહિતી ખાતુ અમરેલી)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
