તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
CISF અને SBI વચ્ચે થયાં મહત્વપૂર્ણ બેંકિંગ એમ.ઓ.યુ.: એમ.ઓ.યુ. અનુસાર હવે જવાનો અને તેમના પરિવારજનોને બેંકિંગ ક્ષેત્રના અનેક નવીન લાભો મળતા થશે
હવાઈ દુર્ઘટનાના કિસ્સામાં 1.5 કરોડનું વળતર મળશે અને સેવા આપતા કર્મચારીઓ માટે 10 લાખનું ટર્મ ઇન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું : કાયમી સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માટે 1 કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ) એ પોતાના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે એક મોટું પગલું ભર્યું છે. 23 મે, 2025 ના રોજ, CISF અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વચ્ચે સેલરી એકાઉન્ટ વ્યવસ્થાપન માટે આગામી ત્રણ વર્ષ માટે એક મહત્ત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOU CISF ના કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે બેંકિંગ સુવિધાઓ અને વીમા કવચમાં નોંધપાત્ર વધારો કરશે.
આ નવા MOU હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને મુખ્ય લાભો મળશે, જેમાં સેવા આપતા કર્મચારીઓ માટે 1 કરોડનું મફત વ્યક્તિગત અકસ્માત વીમા કવચ જે પહેલાં 50 લાખ હતું. અને પેન્શનરો માટે વ્યક્તિગત અકસ્માત વીમું 50 લાખનો સમાવેશ થાય છે. હવાઈ દુર્ઘટનાના કિસ્સામાં 1.5 કરોડનું વળતર મળશે, અને સેવા આપતા કર્મચારીઓ માટે 10 લાખનું ટર્મ ઇન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું છે. કાયમી સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માટે 1 કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે. નોંધનીય છે કે પેન્શનરોને પણ પ્રથમ વખત ઘણા નવા લાભો અને હાલના લાભોમાં નોંધપાત્ર વધારો મળશે.
SBI CISF કર્મચારીઓને અન્ય શ્રેષ્ઠ સુવિધાઓ પણ પૂરી પાડશે, જેમાં ઝીરો એકાઉન્ટ બેલેન્સ, વાર્ષિક શુલ્ક વિના મફત ડેબિટ કાર્ડ, SBI ATM પર અમર્યાદિત મફત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંક ATM પર દર મહિને 10 મફત ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ મફત ડિમાન્ડ ડ્રાફ્ટ, ખાતામાં વધારાના ભંડોળ પર ઓટોમેટિકલી ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા (ઓટો સ્વીપ), અને બેંક લોકરના ભાડા પર 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. દુર્ઘટનામાં મૃત્યુના કિસ્સામાં બર્ન સર્જરી, બાળકોની ઉચ્ચ શિક્ષણ સહાય, બાળિકા લગ્ન સહાય, એર એમ્બ્યુલન્સ (10 લાખ સુધી), અને એમ્બ્યુલન્સ ચાર્જ જેવા કવચનો પણ સમાવેશ થાય છે.
'SBI Rishtey' ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ CISF જવાનોના પરિવારો પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનો માટે ચાર ઝીરો બેલેન્સ ખાતા ખોલાવી શકાશે, જેમાં મફત ડેબિટ કાર્ડ, મફત ટ્રાન્ઝેક્શન, મફત ડિમાન્ડ ડ્રાફ્ટ, ઓટો સ્વીપ અને લોકર ભાડા પર 10% ડિસ્કાઉન્ટ જેવા લાભો મળશે. 18 વર્ષથી વધુ વયના સભ્યો માટે 5 લાખનું વ્યક્તિગત અકસ્માત મૃત્યુ કવર પણ આમાં શામેલ છે.
લાભો સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક ખાસ ફરિયાદ નિવારણ પદ્ધતિ ગોઠવવામાં આવશે. SBI ના સમર્પિત રિલેશનશિપ મેનેજર CISF કલ્યાણ નિયામક સાથે સતત સંકલનમાં રહેશે. આ ઉપરાંત, SBI CISF કેમ્પસમાં શાખાઓની સ્થાપના/નવીનીકરણ કરશે અને નવી ટેકનોલોજીનો પરિચય કરાવશે. કર્મચારીઓ માટે બેંકિંગ અને રોકાણ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ MOU CISF અને SBI બંનેની તેમના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે સુરક્ષા દળોના મનોબળને ઊંચું રાખવામાં મદદ કરશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
