<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

સૌરાષ્‍ટ્રમાં હીરા ઉદ્યોગને ભયંકર મંદીમાંથી બહાર લાવો

જસદણ ડાયમંડ માર્કેટ એસોસીએશનના પ્રમુખ ભીખાભાઇ રોકડની રજૂઆત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩ :..  ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદિનો માહોલ છે ત્‍યારે સરકારે આ ઉદ્યોગને મંદિમાંથી બહાર લાવવા માટે પ્રયત્‍ન કરવા જોઈએ તેવી માગણી જસદણ ડાયમંડ માર્કેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

જસદણ ડાયમંડ માર્કેટ એસોસિએશનના પ્રમુખ ભીખાભાઈ રોકડની યાદીમાં જણાવ્‍યા મુજબ હીરા ઉદ્યોગમાં મંદીની સૌરાષ્‍ટ્રને માઠી અસર થઈ છે. છેલ્લા કેટલાક સમયથી માત્ર સૌરાષ્‍ટ્ર કે ગુજરાત નહીં પરંતુ દેશભરમાં હીરા ઉદ્યોગની માઠી બેસી હોય તેવું ચિત્ર જોવા મળે છે.ગુજરાતમાં હજારો- લાખો લોકોને રોજગારી આપતો અને પુષ્‍કળ વિદેશી હુંડીયામણ કમાવી આપતો હીરા ઉદ્યોગ અત્‍યારે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે. સૌથી વધુ કરૂણ બાબતો એ છે કે દિવસ ઉગતાની સાથે જ કારીગરોના આત્‍મહત્‍યાના બનાવો રોજીદી ઘટના બની ગઈ છે. આ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પણ અત્‍યારે અસ્‍તિત્‍વ ટકાવવાનું યુદ્ધ લડી રહ્યા છે. પરંતુ આમ છતાં સરકાર તરફથી જે ઙ્કયાસો થવા જોઈએ અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ડિપ્‍લોમાસીનો ઉપયોગ થવો જોઈએ તે આમાં થતો હોવાનું અત્‍યારે જણાતું નથી.  ડાયમંડ પોલિસીંગ એટલે કે હીરા ઘસવાનો ઉદ્યોગ આમ તો સુરતમાં કેન્‍દ્રિત થયો છે. પરંતુ સૌરાષ્‍ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના અનેક જિલ્લાઓના હજારો કારીગરો રોજગારી માટે સુરતમાં સ્‍થાયી થયા છે. હીરા ઉદ્યોગની આ પરિસ્‍થિતિના કારણે સૌરાષ્‍ટ્રમાં પણ તેની અસર જોવા મળે છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોની દિવાળી બગડી ગઈ છે અને હવે  આ ઉદ્યોગને બેઠો કરવામાં જો સમયસરના અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો દિવાળી પછીનો આ સમય તેમના માટે વધુ ખરાબ છે.  શા માટે ડાયમંડ પોલિસીંગનો ઉદ્યોગ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે? તે બાબત પર નજર નાખીએ તો મુખ્‍ય કારણ એ છે કે જી- ૭ ના દેશો એટલે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્‍સ, જર્મની, ઈટલી જાપાન અને યુનાઇટેડ કિંગડમના દેશોએ એવો નિર્ણય લીધો છે કે રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમે નહીં ખરીદીએ. હકીકતમાં ભારતમાં સૌથી વધારે રશિયન રફ લાવીને તેના હીરા ઘસીને દુનિયામાં પુરા પાડવામાં આવે છે. આમ જી-૭ ના આ નિર્ણયથી રશિયા કરતા ભારતને વધુ નુકસાન થાય છે. આમ છતાં જી-૭ ના દેશોના આ નિર્ણય સામે ભારતે જે રીતે વિરોધ કરવો જોઈએ અને પોતાની દલીલ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ તે હજી સુધી થયું નથી.  જોકે એ પણ વાસ્‍તવિકતા છે કે અત્‍યારે લેબ્રોન એટલે કે સિન્‍થેટિક હીરાની બોલબાલા છે. ગુજરાતમાં ૧૯૯૨માં રત્‍નકલાકાર બોર્ડની રચના કરવામાં આવી હતી પરંતુ સત્તા પરિવર્તન સાથે જ આ બોર્ડ બંધ કરી દેવાયું હતું.

 ૨૦૦૮ માં રત્‍નદીપ કૌશલ્‍ય વર્ધક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને મંદી જેવા સમયગાળામાં હીરા ઉદ્યોગને સપોર્ટ આપવા માટે રુ. ૧૨૦૦ કરોડનો લાભ આપવાની વાત કરી હતી. પરંતુ માત્ર છ વ્‍યક્‍તિઓને મર્યાદિત લાભ આપીને ૨૦૧૨ માં આ યોજના સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

અત્‍યારે ઉદ્યોગને બેઠો કરી શકે તેવી કોઈ યોજના નથી. માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં હીરા ઉદ્યોગનો મોટો કારોબાર છે અને તેને ફરીથી ઊભો કરવા માટે કેન્‍દ્ર સરકારે જી -૭ ના દેશોને પોતાનો નિર્ણય પરત ખેંચવા માટે મજબૂર બનાવવા જોઈએ અને આ માટે ભારતનો પક્ષ રજૂ કરવો જોઈએ. ભારતમાં બનેલો હીરો રશિયાની રફનો છે કે કઈ રફનો તે જોયા વગર તેમના દેશોમાં ખરીદી થઈ શકે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ. આ ઉપરાંત અત્‍યારે જે રત્‍ન કલાકારો આત્‍મહત્‍યા કરી રહ્યા છે તેમના પરિવારોને આર્થિક સહાય આપવી જોઈએ રત્‍ન કલ્‍યાણ કલાકાર કલ્‍યાણ બોર્ડ બનાવવું જોઈએ અને તેમાં કામદારોના પ્રતિનિધિઓ, કારખાનાના પ્રતિનિધિઓ, અને જન પ્રતિનિધિઓનો સમાવેશ કરી માતબર રકમ બોર્ડને ફાળવવી જોઈએ. 

રત્‍ન કલાકારો નું રજીસ્‍ટ્રેશન કરી તેમને મળવા પાત્ર ગ્રેજ્‍યુટી અને અન્‍ય સુવિધાઓ બાબતે સરકારે યોગ્‍ય કરવાની જરૂર છે. સાથો સાથ આ ઉદ્યોગના માલિકોને પણ સરકારે કાયદા અને નીતિ નિયમોની મર્યાદામાં રહીને ટેકો આપવાની જરૂર છે.

(11:50 AM IST)