<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જામનગરમાં DP કપાત : સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર માર્ગે ચોથા દિવસે પણ ડિમોલિશન યથાવત

૩ દિવસમાં ૨૬૫ મિલકતો પર બુલડોઝર ફર્યા : આજે ૬ ટીમો કાર્યરત : કુલ ૩૩૧ મિલકત ધારકોને અપાય છે ડિમોલિશન નોટિસ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૩ જૂન ૨૦૨૫: જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના ૧૨ મીટર રસ્તાને પહોળો કરવા માટેની ડી.પી. (ડેવલપમેન્ટ પ્લાન) કપાતની કામગીરી નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહી છે. ગત શનિવારે પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ બાદ મનપા તંત્રે મક્કમતા પૂર્વક આ કામગીરી અવિરત ચાલુ રાખી છે. આજે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન કાર્ય ચાલુ રહ્યું હતું, જેના માટે એકસાથે છ ટીમોને કામે લગાડવામાં આવી હતી. આ કામગીરી હવે ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.
છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૦ આસામીઓની ૨૬૫ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ, આજે ચોથા દિવસે પણ બાકી વધેલી મિલકતો પર મનપાનો હથોડો વિંઝવામાં આવ્યો હતો. આજે ડિમોલિશન કાર્ય કોઈ પણ પ્રકારના વિરોધ વિના ચાલુ રહ્યું હતું, જે સૂચવે છે કે સ્થાનિક રહેવાસીઓ પણ હવે આ કામગીરીમાં સ્વયંભૂ મદદ કરી રહ્યા છે.
જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધીના ૩.૫ કિલોમીટરના વિસ્તારમાં આવેલી કુલ ૩૩૧ મિલકતોના ધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસના ભાગરૂપે જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના અંતે ૨૬૫ મિલકતોમાં માર્કિંગ કરાયેલી જગ્યા સુધીનું ડિમોલિશન કરી લેવામાં આવ્યું હતું.
આજે ચોથા દિવસે, મંગળવારે પણ ડિમોલિશનની પ્રક્રિયાઓ કોઈ પણ પ્રકારના વિરોધ વિના અને ભારે પોલીસ બંદોબસ્તની સાથે હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં તમામ મશીનરી કામે લગાડવામાં આવી હતી અને મનપાનો ૧૦૦થી વધુનો સ્ટાફ જોડાયેલો હતો. આ સ્ટાફની અલગ અલગ ૬ ટીમો બનાવવામાં આવી હતી, અને તમામ ટીમોને અલગ અલગ મિલકતોની કપાતની કામગીરીની સોંપણી કરી દેવામાં આવી હતી.
ગઈકાલે સાંજે ડિમોલિશન કાર્ય પૂર્ણ થયા બાદ મનપાની કચેરીમાં અધિકારીઓની તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં બીજા દિવસના સમગ્ર ડિમોલિશનનો એક્શન પ્લાન ઘડી લેવાયો હતો. આ બેઠકમાં અલગ અલગ ટુકડીઓને જવાબદારી સોંપી દેવામાં આવી હતી, જેના અનુસંધાને આજે વહેલી સવારથી સાંજ સુધીમાં મોટાભાગનું સોંપાયેલું કાર્ય આટોપી લેવાય તે પ્રકારે કામગીરી ચાલી રહી છે.
વ્યવસ્થા જાળવવા માટે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝાના માર્ગદર્શન હેઠળ ૫૦થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજ પર ગોઠવાયેલા છે. એકંદરે, ડિમોલિશન કાર્ય સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.

 

(11:10 AM IST)