<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મોરબી વાંકાનેર રોડપરના વઘાસિયા ટોલનાકે ઓવરલોડના નામે ઉઘરાણા

ટ્રક ખાલી હોવા છતાં ઓવરલોડ હોવાનું જણાવી તગડો ચાર્જ મંગાયો, વીડિયો વાયરલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨: મોરબી - વાંકાનેર હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકુ અવારનવાર વિવાદમાં આવે છે ત્‍યારે આજે એક ખાલી ટ્રક ચાલક પાસેથી ઓવરલોડિંગ મામલે તગડો ટોલટેક્‍સ માંગી ટ્રકને અટકાવી દેતા ટ્રક ચાલકે વઘાસિયા ટોલનાકાની પોલ ખોલતો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્‍છ - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકે ખુલ્લેઆમ દાદાગીરી કરી ટ્રક ચાલકો પાસેથી ઓવરલોડિંગના નામે ચાર્જના ઉઘરાણા કરવામાં આવતા હોવાની વ્‍યાપક ફરિયાદ ઉઠી છે. દરમિયાન આજે વઘાસિયા ટોલનાકામાંથી પસાર થતા જીજે - ૩૬ - ટી - ૮૨૬૮ નંબરના ટ્રકને અટકાવી ટોલનાકા કર્મચારીઓએ ટ્રક ઓવરલોડ હોવાનું જણાવી ટોલટેક્‍સ માંગ્‍યો હતો. જો કે, ટ્રક ચાલક દ્વારા ટ્રક બિલકુલ ખાલી હોવાનું જણાવી ટ્રક ચેક કરી લેવા જણાવવા છતાં પણ ટોલ કર્મી એકનો બે થયો ન હતો અને ચાર્જ ચૂકવવા હઠ પકડી હતી. જો કે, ટ્રકના ક્‍લીનરે સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ ક૨ી ટ્રકના તેમજ ટોલનાકાના દ્રશ્‍યો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.નોંધનીય છે કે, ટોલનાકા ખાતે રહેલા વે બ્રિજને નિયમ મુજબ દર વર્ષે કેલિબ્રેશન કરાવવો ફરજિયાત છે ત્‍યારે આ ટોલનાકાનો વજન કાંટો કયારે કેલિબ્રેશન થયો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવી જોઈએ.

(12:07 PM IST)