તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
જામનગરમાં સ્વામિનારાયણ નગર - ગાંધીનગર માર્ગ પર મેગા ડિમોલિશન યથાવત્ : જુઓ વિડિયો
સતત ત્રીજા દિવસે પણ મનપાની કાર્યવાહી ચાલુ : બે દિવસમાં 190 મિલકતો પર બુલડોઝર ફેરવાયા બાદ આજે ફરી શાંતિપૂર્ણ ડિમોલિશન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 2 જૂન, 2025: જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર (નવાગામ ઘેડ) સુધીના 12 મીટર રસ્તાને પહોળો કરવાની મેગા ડિમોલિશન કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ પૂરજોશમાં ચાલી રહી છે. પરમ દિવસે શનિવારે સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ મનપાએ મક્કમતા દાખવીને કાર્યવાહી આગળ ધપાવી હતી. ગઈકાલે રવિવારે પણ ડિમોલિશન કાર્ય અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, પ્રથમ બે દિવસ દરમિયાન કુલ 159 આસામીઓની 190 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. આજે, સોમવારે (ત્રીજા દિવસે) પણ બાકી રહેલી મિલકતો પર મનપાનો હથોડો વીંઝવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આજે ડિમોલિશન કાર્ય કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધીના આ 3.5 કિલોમીટરના વિસ્તારમાં કુલ 331 મિલકત ધારકોને મહાનગરપાલિકા દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, જેના ભાગરૂપે આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 111 મિલકતોમાં માર્કિંગ કરાયેલી જગ્યા સુધીનું ડિમોલિશન કરી લેવાયું હતું.
ત્યારબાદ રવિવારે સતત બીજા દિવસે સવારે આઠ વાગ્યાથી ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને પાડતોડની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. બે દિવસમાં કુલ 159 આસામીઓની 190 મિલકતમાં પાડતોડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
આજે ત્રીજા દિવસે સોમવારે પણ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ કામગીરીમાં તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે અને મનપાના 150 થી વધુ કર્મચારીઓનો સ્ટાફ જોડાયેલો છે. આ ઉપરાંત, સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝા ના માર્ગદર્શન હેઠળ 100 થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજ પર ગોઠવાયેલા છે. એકંદરે, સમગ્ર ડિમોલિશન કાર્ય શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓ પણ હવે સ્વયંભૂ રીતે મદદમાં લાગી ગયા છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
