<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

સાવરકુંડલાના અમૃત સરોવરમાં ડૂબી જવાથી ૨ બાળકોના મૃત્યુ : મૃતક બંન્ને બાળકો તેના પરીવારના માત્ર એક-એક પુત્ર હતા

સાવરકુંડલાના ત્રણ બાળકો આજે બપોરે ગરમીમાં રાહત મેળવવા નાહવા પડેલા તેમાંથી બે બાળકો ઊંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા : જ્યારે સદભાગ્યે એક બાળક બચી ગયો

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા તા.૩૦ : સાવરકુંડલા શહેર ના  મહુવા રોડ ઉપર બની રહેલા અમૃત સરોવર માં સાવરકુંડલાના ત્રણ બાળકો આજે બપોરે નાહવા પડેલા તેમાંથી બે બાળકો ઊંડા પાણીમાં ડૂબી જવાથી  મૃત્યુ પામ્યા હતા જ્યારે સદભાગ્યે એક બાળક બચી ગયો છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા શહેરના જેસર રોડ ઉપર આવેલા નિલેષનગર માં રહેતો મંત્ર રાજદીપ ભાઈ મસરાણી ઉંમર વર્ષ 11 અને બાજુમાં જ આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા કુણાલ અશ્વિનભાઈ સોલંકી ઉંમર વર્ષ 13 અને તેનો મિત્ર મોહિત મનીષભાઈ સોલંકી ઉમર 13 મળી ત્રણે બાળકો અમૃત સરોવરમાં બપોરની ગરમીમાં રાહત મેળવવા નાહવા પડ્યા હતા ત્યારે મંત્ર રાજદીપ મસરાણી અને કૃણાલ અશ્વિન સોલંકી ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા જેથી ત્રીજા બાળકે રાડારાડ કરી મુકતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો સ્થાનિક લોકો ની મદદ થી ત્રણે બાળકોને બહાર કાઢતા બે બાળકો મૃત્યુ પામ્યા હતા જ્યારે મોહિત મનીષભાઈ સોલંકીબચી ગયો છે મૃતક બાળકો ને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલે લવાતા ત્યાં તેમના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી થી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.

         બનાવની જાણ થતા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, મહામંત્રી મોહિત સુદાણી સહીત કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પરિવારને શાંતવના પાઠવી હતી. આ બનાવમાં કરુણતા એ બની કે મરણ જનાર મંત્ર તેની બહેન નો એક જ ભાઈ હતો જ્યારે  કૃણાલ પણ  એના પરિવારમાં એક જ પુત્ર હતો તે ગુજરી ગયો છે મંત્ર ધોરણ પાંચમાં અને કૃણાલ ધોરણ નવ માં અભ્યાસ કરતા હતા. શહેર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:56 PM IST)