News of Friday, 30th May 2025
પોરબંદરમાં અષાઢી બીજે રથયાત્રાના પ્રાચીન રૂટની પરંપરા જળવાતી નથી?
શીશમના પૌરાણીક રથને મંદિરના પટાંગણમાં ફેરવ્યા બાદ દર્શન ખૂલ્લા મુકાય છેઃ બેનમૂન રથયાત્રાનું આયોજન કરવા ભાવિકો દ્વારા માગણી

(હેમેન્દ્ર કુમાર દ્વારા) પોરબંદર, તા.૩૦: સુદામા મંદિર સામે પૌરાણિક ભગવાન જગન્નાથજી મંદિરે વર્ષો પહેલા અષાઢી બીજે રથયાત્રા નીકળતી હતી. કોઈ કારણથી લાંબા સમયથી અષાઢી બીજની રથયાત્રા આ જગન્નાથજી મંદિરથી પ્રાચીન રૂટ ઉપર જતી નથી. તેને બદલે અષાઢી બીજે જગન્નાથજી મંદિરમાં શીશમ લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં જગન્નાથજીને બિરાજમાન કરવાને મંદિરના પટ્ટાગણમાં ફેરવીને ભકતોના દર્શન ખુલ્લા રાખવામાં આવે છે.
સુદામા મંદિર પાસે જગન્નાથજી મંદિરેથી વર્ષો પહેલા ધામધુમથી અષાઢી બીજની રથયાત્રા નીકળતી હતી અને ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવા નીકળતા હતાં ત્યાર પછી આ રથયાત્રા બંધ કરવામાં આવી હતી.
ત્યાર પછીના સમયમાં ભકતોની લાગણી અને માગણી ધ્યાને લઈને આ રથયાત્રા પુનઃ શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરંપરા મુજબના રૂટને ટૂંકાવી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી ઘણાં લાંબા સમયથી અષાઢી બીજની શહેરમાં મુખ્ય રથયાત્રાનું આયોજન થઈ શકયું નથી. ભગવાન જગન્નાથજીનો અતિ પૌરાણિક શીશમનો રથ જર્જરિત રોય નિષ્ણાંતો દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે અષાઢી બીજે શહેરની મુખ્ય અષાઢી બીજની રથયાત્રા શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
શહેરમાં અષાઢી બીજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અષાઢી બીજની રથયાત્રાનું અલગ આયોજન થાય છે અને આ રથયાત્રાનું રૂટ ઉપર ઠેર ઠેર સ્વાગત થાય છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાય છે શહેરમાં ભગવાન જગન્નાથજી અન્ય એક પ્રાચીન મંદિર ભાટિયા બજારમાં આવેલ છે. ત્યાં આ વિસ્તારના લોકોના સહકારથી સ્વયંભૂ અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
