<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવમાં થયો વધારો

ખેડૂતો માટે રાહતના સમાચારઃસફેદ ડુંગળીના ભાવ ૧૭૦ થી ૨૪૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે. ૧,૦૮,૨૭૫ કટ્ટા ડુંગળીનું વેચાણ થયું છે

ભાવનગર,તા.૨૮

ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ, જે ડુંગળીના હબ તરીકે ઓળખાય છે, અહીં ફક્ત ભાવનગર જિલ્લાની જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓના ખેડૂતોએ લાલ અને સફેદ ડુંગળી વેચાણ માટે આવે છે. અહીંની ડુંગળીની ડિમાન્ડ દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં હોવાથી અન્ય રાજ્યોમાંથી વેપારીઓ પણ ખરીદી કરવા માટે અહીં આવે છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ સર્જાયું છે, અને થોડા દિવસો પહેલાં વરસાદ પણ થયો હતો.

ખેડૂતોની ડુંગળીમાં નુકસાન થવાથી તેમને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઓછા મળતા હતા, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો. પરંતુ હવે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જે લાંબા સમય બાદ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. અગાઉ એક મણ ડુંગળીના ભાવ માત્ર ૨૦ થી ૪૦ રૃપિયા સુધી હતા, પરંતુ હવે તે વધીને ૧૭૦ થી ૨૪૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ૧ લાખથી વધુ કટ્ટા સફેદ ડુંગળીની આવક નોંધાઈ રહી છે. યાર્ડમાં આસપાસના જિલ્લાઓના ખેડૂત પણ પોતાની ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે. આ સ્થિતિમાં ડુંગળીના ભાવમાં વધારો થવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની આશા જાગી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લી હરાજીમાં સફેદ ડુંગળીના ભાવ ૨૬૯ રૃપિયા સુધી નોંધાયા હતા, અને ૧,૦૮,૨૭૫ કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચાણ કરવા આવેલા ખેડૂત વાસુરભાઇએ જણાવ્યું કે, *હું ૨૬૫ કટ્ટા ડુંગળીનું વેચાણ કરવા આવ્યો હતો, અને એક મણ ડુંગળીનો ભાવ ૨૨૯ રૃપિયા મળ્યો છે. છેલ્લા બે દિવસથી ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે.*

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું કે ગઈકાલે પડેલા વરસાદના કારણે યાર્ડમાં લગભગ ૩૦૦૦૦ થી ૩૫૦૦૦ કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ બાકી છે, જ્યારે ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ જેટલી બીજી ડુંગળીની હરાજી ચાલુ છે, એટલે કે કુલ ૫૦૦૦૦ કટ્ટા ડુંગળીની હરાજી ચાલુ છે. ખેડૂત ભાઈઓને સફેદ ડુંગળીના નબળા માલના ૧૬૦ થી ૨૦૦ રૃપિયા સુધી અને સારા માલના ૨૦૦ થી ૨૫૦ રૃપિયા સુધી ભાવ મળી રહ્યા છે. લાલ ડુંગળીની મર્યાદિત આવક છે, જેમાં ખેડૂતોને ૧૦૦ થી ૨૫૦ રૃપિયા સુધી ભાવ મળી રહ્યા છે.

 

(9:13 PM IST)