તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ : દુશ્મન હુમલા સામે નાગરિક સુરક્ષાની અગમચેતી તૈયારી!
એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનારમાં સાંજે ૫ વાગ્યે મોકડ્રીલ : રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ દરમિયાન 'બ્લેકઆઉટ' અને સાયરનનો અવાજ ગુંજશે : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સહયોગની અપીલ

(કૌશલ સવજાણી દ્વારા), જામ ખંભાળિયા : ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, દેશની પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં દુશ્મન દેશના સંભવિત હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે "ઓપરેશન શિલ્ડ" નામની નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલ, તા. ૨૯ મે, ૨૦૨૫ના રોજ આ મોકડ્રીલ યોજાશે.
એરફોર્સ સ્ટેશન અને કોસ્ટ ગાર્ડ ખાતે મોકડ્રીલનું આયોજન
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા દ્વારા અપાયેલી વિગતો અનુસાર, આ અગમચેતીના ભાગરૂપે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર ખાતે સાંજે ૦૫ કલાકે મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત, આવતીકાલ તા. ૨૯ મેના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર ખાતે તંત્ર દ્વારા બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે, જેથી નાગરિકોને આ મોકડ્રીલ અંગે જાણકારી મળી રહે.
નાગરિક સંરક્ષણ દળો અને જનતાનો સહયોગ
આ મોકડ્રીલ દરમિયાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડ સહિતના જવાનો જોડાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા માટેની આગોતરી તૈયારીઓ અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી તથા મૂલ્યાંકન કરવાનો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ પણ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં આવી કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના આધારે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને આ મોકડ્રીલ દરમિયાન શાંતિ જાળવવા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવે છે. આ કવાયત આપણી સૌની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
