<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની જૂની અદાવતમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા

યુવક કાર વોશિંગ કરાવવા ગયો હતો. તે સમયે કોઈ બે અજાણ્યા શખ્સોએ મળીને આ કૃત્યને અંજામ આપ્યો: મૃતક કેવલ પણ અગાઉ હત્યાના એક ગુનામાં સંડોવાયેલો હતો. અને હાલમાં જ તે જામીન પર છૂટ્યો હતો.

ભાવનગર શહેરમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂની અદાવતમાં યુવાનની હત્યામાં બે શખ્સોની સંડોવણીની આશંકાને લઇ પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ભાવનગર શહેરના શહેર ફરતી સડક પાસે એક યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. કેવલ દિલીપભાઈ નામના 28 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક યુવાન એક મહિલા પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા જૂની અદાવતના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. યુવક કાર વોશિંગ કરાવવા ગયો હતો. તે સમયે કોઈ બે અજાણ્યા શખ્સોએ મળીને આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી  અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વાત સામે આવી છે કે, મૃતક કેવલ પણ અગાઉ હત્યાના એક ગુનામાં સંડોવાયેલો હતો. અને હાલમાં જ તે જામીન પર છૂટ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે, કદાચ આ જૂની અદાવતને કારણે જ આરોપીઓએ કેવલની હત્યા કરી હશે. હાલ પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે. અને આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ઘોળા દિવસે યુવાનની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

(7:31 PM IST)