<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

હળવદના શક્‍તિનગર ગામે ૭ દીકરી બાદ જન્‍મેલ પુત્ર મૃત્યુ પામતા આઘાતમા પિતાનું મૃત્યુ

તાલુકામાં ઘેરા શોકની લાગણી : મોટી પુત્રીએ કાંધ આપી

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૮: હળવદ તાલુકાના શક્‍તિનગર ગામે એક વિપ્ર પરિવાર સાથે કુદરતે જાણે ક્રુરતા દાખવી હોય તેવી કરુણ ઘટના ઘટી છે.૭ દીકરી બાદ આવેલો દીકરો જન્‍મતા વેંત જ મૃત્યુ  પામતા તેના આઘાતમાં પિતાનું પણ મૃત્યુ  થયું છે. બાદમાં મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના શક્‍તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્‍થિતિ ધરાવતા ૪૧ વર્ષના બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે તાજેતરમાં ૭ દીકરી બાદ દીકરાનો જન્‍મ થયો હતો.જો કે જન્‍મતા વેંત જ દીકરાનું મૃત્યુ  થયું હતું.આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું ૧૫ જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ  થયું હતું.

૭ દિકરીઓમાં તેમની સૌથી મોટી દીકરી ૧૯ વર્ષની છે અને સૌથી નાની દીકરી ૫ વર્ષની છે. પરિવારમાં એકને એક દીકરાનો જન્‍મ થતા વેંત જ તે મૃત્યુ  પામ્‍યો.ઉપરથી પરિવારના આધાર સ્‍તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ  નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હોય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલ એ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્‍કાર કરી દીકરાનો  ધર્મ નિભાવ્‍યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઊભા રહી માનવતા દાખવી હતી.

(10:47 AM IST)