તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Saturday, 24th May 2025
ટંકારાની ૯૦ લાખની લૂંટમાં બે આરોપીઓ સાત દિ'ના રીમાન્ડ ઉપર
ફરાર પાંચ આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવાઇ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૪: ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે થયેલ રૂ.૯૦ લાખની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓને પકડી લીધા હતા. આ બે આરોપીઓને ૭ દિવસના રિમાન્ડ ઉપર લઈ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૧ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે, રાજકોટવાળા બન્ને રાજકોટ ૧પ૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા રૂ. ૯૦ લાખ કારમાં લઈને રાજકોટથી મોરબી આવતા હોય તે અરસામાં સાતેક લૂંટારુંઓએ બલેનો તથા પોલો કાર વડે ફરિયાદીની કારને ટક્કર મારી મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી સાથે ઉતરી રૂ.૯૦ લાખની લૂંટ કરી નાશી ગયા હતા.
જો કે પોલીસે ત્વરિત હરકતમાં આવી અભિભાઈ લાલાભાઇ અલગોતર ઉ.વ. ૨૪ રહે.ભાવનગર અને અભીજીતભાઈ ભાવેશભાઈ ભાર્ગવ ઉ.વ.૨પ રહે.ભાવનગર બન્ને રૂ.૭૨,પ૦,૦૦૦/-ની રોકડ સાથે પકડી લીધા હતા. આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી હવે પોલીસ દ્વારા આ આરોપીઓ કયાં રોકાયા હતા ? કયારે પ્લાન બનાવ્યો હતો ? કોણે ટીપ આપી હતી? તે સહિતના પ્રશ્નો ઉપરથી પડદો ઉચકવા સઘન પૂછપરછ હાથ ધરશે.
વધુમાં ફરાર અન્ય આરોપી હીતેષભાઈ પાંચાભાઈ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર, નિકુલભાઈ કાનાભાઈ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે. બધા ભાવનગર અને એક અજાણ્યા શખ્સને પકડી લેવા ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં પોલીસની ૫ ટિમો બનાવવામાં આવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
